દાંડીયાત્રા

Category: Fiction; Date: February 25, 2019

સૂર્યાસ્ત અને દરિયાકિનારો, આ બંનેનું મને બાળપણથી જ બહુ મોટું આકર્ષણ રહ્યું છે. કદાચ એટલે કે મારા મૂળ વતનમાં અને પછી મુંબઈમાં અમે રહેવા ગયા ત્યાં પણ મારા ઘરની પાસે જ અરબી સાગર ઘુંઘવાતો હતો. સાંજનાં ટાણે તો જાણે લાલ સૂરજ દરિયામાં ડૂબકી મારવા માંગતો હોય એવું જ લાગતુ. હું તે સમયે મારું બધું જ કામ મુકીને શાંતિથી એક જગ્યાએ બેસીને એ સુંદર દ્રશ્ય જોયા કરતો. પણ એ પછી તો અમારી નર્મદા નદીમાં ન જાણે કેટલું ય પાણી વહી ગયું હશે! બાળપણ પછી વર્ષોનાં વર્ષો વીતી ગયા પણ પાછું એ સુંદર દ્રશ્ય જોવાનો કોઈ દી' સમય જ ના મળ્યો. ને આજે છેક સિત્તેરેક વર્ષ બાદ આવો લ્હાવો મળ્યો છે. પણ આ ન તો મારી એ નર્મદામૈયાનું સમુદ્રસંગમ છે કે ન તો આમચી મુંબઈનો એ દરિયાકિનારો! છતાંય આ દરિયાકિનારો પણ મને એટલો જ સારો લાગી રહ્યો છે. આ જ દરિયાકિનારે આજથી એંશી-નેવું વર્ષ પહેલા એક મહામાનવે એક સામાન્ય એવી ચીજ, મીઠાનો ઉપયોગ કરીને અસામાન્ય એવી અંગ્રેજ હકુમત સામે જંગ માંડ્યો હતો ને!

હજુ સૂર્યાસ્ત થવામાં ઘણો સમય બાકી છે. હું તો ભૂલી જ ગયો હતો કે હું લંડનમાં નથી, ભારતમાં છું. લંડનમાં તો વર્ષનાં આ સમયે દિવસો ખૂબ ટૂંંકા હોય, ને આ સમયે તો સૂરજ ડૂબી જવાની તૈયારીમાં જ હોય. ઈન્ડિયા રહ્યું ટ્રોપિકલ કન્ટ્રી, સ્વાભાવિક રીતે જ અહીં આ સમયે દિવસોની લંબાઈ વધારે હોય. એટલે હજું તો અહીં નમતી બપોરનો થોડો એવો સખત તડકો છે. તડકાને ય એની સખ્તાઈ ગુમાવીને કોમળતા ધારણ કરતા હજુ સહેજ વાર લાગશે, અને એ કોમળ તડકાને વિદાય અાપીને રાતરાણીનાં ઠંડકનાં સામ્રાજ્યને ફેલાવામાં તો ખાસ્સી વાર લાગશે. જોકે મારે હવે રૂમ પર એકલા બેસીને કરવાનું ય શું છે?! જે કાંઈ પણ કાર્યક્રમો રાખ્યા હતાં એ બધાય હવે તો પતી ગયા, હવે કાલે મુંબઈથી બીજી ફ્લાઈટ પકડીને પરમદિવસે લંડનભેગા જ થવાનું છે ને! મેં કોઈ દી' વિચાર્યું નહોતું કે આવી રીતે મારું સન્માન થશે. હા, મેં આનાથી પણ મોટા-મોટા ઍવોર્ડ્સ મેળવ્યા છે, આનાથી પણ મોટા સન્માન મને મળ્યા જ છે, છતાંય આજ જેટલો આનંદ મને ક્યારેય નથી થયો. ‘નવા યુગનાં ગાંધી', આવું સન્માન મળે તો આનંદ જ થાય ને! આ વર્ષે ગાંધીજીની એકસો પચાસમી જયંતિ આવે છે, તો એ સંદર્ભમાં ગાંધીવિચારોને વ્યાપક રીતે આચરણમાં મુકવા બદલ મને આ સન્માન મળ્યું. સન્માન તો સમજ્યા, પણ મારા હાથે સારા કામો થયા એનો આનંદ છે. હવે કાલે તો પાછા મુંબઈ જવાનું છે, ને ત્યાંથી લંડન. આટલી સારી જગ્યા છોડીને જવાનું મન જ નહિં થતું, પણ ત્યાંય હજું ઘણાં કામ અધુરા પડ્યા છે.

પણ આ વખતની મારી ઈન્ડિયાની વિઝિટે મને મારો ભૂતકાળ યાદ અપાવી દીધો. એ ભૂતકાળ કે જેને હું કદીયે યાદ કરવા નહોતો માંગતો. કોઈકે જોકે સાચુું જ કહ્યું છે, તમારો ભૂતકાળ કોઈ પણ દિવસ તમારો પીછો નથી છોડતો.

ધુમ્મસિયાં વાતાવરણને કારણે મારી ફ્લાઈટ આ વખતે ઘણી લેઈટ પડી હતી. પહેલા હું જ્યારે જ્યારે આ રીતે દાંડી આવવા નીકળતો ત્યારે હું ટ્રેઈન જ પકડી લેતો, પણ હવે ઉંમરને કારણે ટ્રેઈન પકડવાની ભાગદોડમાં પડતો જ નથી, એને બદલે લંડનથી બેઠા પહેલા જ કોઈક ટ્રાવેલ એજન્સીમાં ફોન કરીને મારા માટે એક કાર જ બુક કરી દઉં છું. આ વખતે ય કરી જ હતી, પણ મોડી ફ્લાઈટનાં ચક્કરમાં કારવાળો મને ઍરપોર્ટ પરથી લીધા વગર જ જતો રહ્યો. મેં એને ઍરપોર્ટ પરથી ફોન કર્યા, પણ એ બિચારો સવારની મીઠી નીંદર માણતો હશે એવું લાગ્યું. પછી મેં વિચાર્યું કે સવાર સવારમાં એને હેરાન કરવા કરતા ઘણાં વર્ષો બાદ ફરીથી ટ્રેઈન પકડી લઈએ!

રેલવે સ્ટેશન પર પહોચ્યો તો ખબર પડી કે નવસારીની છેલ્લી ટ્રેઈન થોડા સમય પહેલા જ ઉપડી ગઈ હતી. હવે બીજી ટ્રેઈન તો છેક દસ વાગ્યાની હતી, પણ વેઈટ કરવાનું જ નક્કી કર્યું. કેટલાય સમયથી ટ્રેઈનમાં હું આમેય બેઠો નહોતો. અમદાવાદનું સ્ટેશન માણસોથી ઊભરાતું હતું. આટલું બધું માણસ, એ ય એકસાથે તો અમને અહીં દેશમાં જ જોવા મળે. પ્લેટફૉર્મ પર પણ બધા જ બાંકડા ભર્યા પડ્યા હતાં. કેટલાંય લોકો જમીન પર જ હજું સુધી સૂતેલા હતાં. જેમ જેમ સૂરજ ઉપર ચડતો જતો હતો, તેમ તેમ સ્ટેશન પર ભીડ પણ વધતી જતી હતી. અહીં દિવસનાં ન જાણે કેટલુંય લોક કામ માટે આસપાસનાં શહેરોમાં કે ગામમાં જતું હશે, તે આસપાસનાં ગામ-શહેરમાંથી અમદાવાદમાં ઠલવાતું હશે! હું આગળ પણ અહીં આવ્યો જ હતો, પણ આગળ આજનાં જેવી ફુરસદ નહોતી. આજે ફુરસદથી જોઉં છું તો એક અલગ જ અમદાવાદ નજર સમક્ષ અસ્તિત્ત્વમાં આવતું લાગે છે. કેટલીય લોકલ ટ્રેઈનોમાં લોકો કૉચ પર લટકીને જતાં હતાં, બે કૉચનું જ્યાં જોડાણ કર્યું હોય એ કપલિંગ પર ઊભા રહીને ય કેટલાં લોક મુસાફરી કરતા હતાં. ‘પેટ કરાવે વેઠ' એ જુનો રૂઢિપ્રયોગ યાદ આવી ગયો. સવાર સવારમાં ય આટલું બધું પબ્લિક, જાણે આ શહેરમાં રાત તો ક્યારેય પડતી જ નથી!

કૃપયા મુસાફરો ધ્યાન આપે, ગાડી નંબર પાંચ-નવ-શૂન્ય-પાંચ-શૂન્ય, વીરમગામથી વલસાડ તરફ જનારી વીરમગામ-વલસાડ પેસેન્જર થોડી જ ક્ષણોમાં પ્લેટફોર્મ નંબર પાંચ પર આવી રહી છે... મૅ આઈ હેવ યોર...” અને મારી ટ્રેઈન આવી ગઈ હતી.

દસ વાગ્યાનો સમય, એટલે મારો આખો કૉચ રોજનાં કામ અર્થે અપ-ડાઉન કરનારા નોકરિયાત વર્ગ અને થોડાં સ્ટુડન્ટ્સથી ભરેલો હતો. ભારતીય રેલનું આ મારા માટે એક નવું જ સ્વરૂપ હતું. આગળ જ્યારે જ્યારે મેં ટ્રેઈન દ્વારા મુસાફરી કરી છે, ત્યારે સમય તો હું રાતનો જ લઉં. ગાડીમાં શાંતિથી સૂઈ જવાનું અને સવાર પડે એટલે નવસારી. શરૂઆતમાં તો મારા કૉચમાંના એ ઘોંઘાટથી હું કંટાળી જ ગયો હતો, કેમ કે લંડનમાં, સ્વાભાવિક રીતે, આટલો બધો શોરબકોર મેં ક્યારેય નથી જોયો. પણ એ ઘોંઘાટ જલદીથી જશે નહિં એવું લાગ્યું, કેમ કે દિવસ ઉપર ચડવાની સાથે સાથે કૉચમાં સંખ્યા પણ વધતી જતી હતી, પીક અવર્સ જો હતાં! અમે ચાર વ્યક્તિથી બેસી શકાય એવી સીટ પર ઓછામાં ઓછા દસેક જણાં બેઠા હતાં. ઉપર સામાન મુકવાની રેક પર પણ બીજા ચાર-પાંચ જણાં બેઠા હતાં. પણ મારા સિવાય ભાગ્યે જ કોઈને સંકડાશ કે અગવડતાનો અનુભવ થતો હોય એવું લાગ્યું. એ લોકો માટે તો આવી મુસાફરી રોજની જ હશે ને! એટલે જ બધા એકબીજાને પણ ઓળખતા હોય એવું લાગ્યું.

રમેશકાકા, ત્યાં જગ્યા છે કે... આ ધીરુકાકા ઊભા છે, એમને મોકલી દઉં છું, જરાક આમેતેમ ખસીને જગ્યા કરી દેજો... બકા આ સન્ડેએ તો પિક્ચર જોવાનો પ્લાન બનાવીએ છીએ, આઈ જજો તમે પણ... મોટા, તમે ઘર ખરીદવાનાં હતાં એ લઈ લીધું? ના લીધું હોય તો આપણી જાણમાં એક સરસ ફ્લેટ છે...” લગભગ બધાં જ લોકો પોતાની મનગમતી ગૉસિપમાં વ્યસ્ત હતાં. થોડાક યંગસ્ટર્સ પોતાનાં સ્માર્ટ ફોન્સમાં ઈયરફોનની પિન નાખીને ફોનમાં જ વ્યસ્ત હતાં. થોડાક યુવાનો ગોળ કુંડાળુ વળીને પત્તા રમવામાં વ્યસ્ત હતાં. કેટલાક લોકો પોતે ઘરથી લાવેલો નાસ્તો કરી રહ્યા હતાં, અને આજુબાજુનાં લોકોને પણ કરાવી રહ્યા હતાં. ઘણાંય લોકો પોતાનાં દિવસભરની, પોતાની નોકરીના વાતો કરવામાં જ વ્યસ્ત હતાં. “એ રમેશકાકા, ધીરુકાકા, જગદીશકાકા અંબાજીનો પ્રસાદ મોકલાવ્યો છે તમારી તરફ, બધા વહેંચીને લઈ લેજો, આપણા પરાગભાઈ ગઈકાલે અંબાજી જઈ આવ્યા" બધા વચ્ચે ન જાણે કયો સંબંધ છે, એટલા બધા આત્મીયતાથી વર્તી રહ્યા હતાં! બધા લગભગ આવા આવવા-જવાનાં એકાદ-બે કલાક દરમિયાન જ એકબીજાને મળતા હશે. એ સિવાય આ ટ્રેઈનની બહાર ભાગ્યે જ બે જણાં એકબીજાને મળી પણ શકતા હશે. પણ આ જ એક-બે કલાકમાં એઓ પોતાની જીંદગી જીવી જતાં હોય એવું લાગ્યું. ટ્રેઈનનો એક ડબો બધાની વચ્ચે લાગણીની એક અદ્રશ્ય સાંકળ રચી શકે છે એવું મેં પહેલીવાર જોયું. મારાથી અભાનપણે અમદાવાદની આ સરખામણી મારા લંડન સાથે થઈ ગઈ. અમારે લંડનમાં એવું નથી. લંડનમાં બધાને પોતાનાં કામ સાથે મતલબ હોય. કદાચ એટલે જ અમે અહીં કરતા ઘણાં સમૃદ્ધ છીએ. પણ ત્યારે પહેલીવાર મને એ વિચાર આવ્યો કે સંપત્તિ પામવાની દોડમાં ને દોડમાં અમે કાંઈક વધારે અમૂલ્ય ગુમાવી તો નથી દીધું ને...!

શું દાદા, કયા સ્ટેશને ઉતરો છો?” મારી સામે બેઠેલા ભાઈએ ફક્ત ટાઈમપાસ ખાતર કે પછી મને એકલાને જ આમ મુંગા મુંગા બેઠેલા જોઈ સવાલ કરી નાખ્યો. મેં એને કહ્યું પણ ખરું કે નવસારી જાઉં છું. પણ એને તો જાણે મારો આખો ઇતિહાસ જાણવો હતો.

ભાઈ આ બે મહિના પહેલા જ એકાણુંમી દિવાળી ઉજવી” મેં એને એના બીજા સવાલનાં જવાબમાં કીધું ત્યારે જ મને એહસાસ થયો કે સદી પુરી થવામાં હવે નવ જ વર્ષ બાકી રહ્યા હતાં. સમય પણ ન જાણે કેટલી ઝડપથી વહી જાય છે, ખબર જ નથી પડતી. પેલાને જોકે હજુ સુધી એ વાતનો વિશ્વાસ જ નહોતો થતો કે આ એકાણુંમાંના છેલ્લા ત્રીસેક વર્ષથી હું આજની જેમ નિયમિત દાંડીયાત્રા કરતો આવ્યો છું! જોકે મારા પોતાનાં માટે પણ હજી સુધી એ માનવું અઘરું જ હતું.

ગાંધીવાદી છો એમ ને ત્યારે, ને સ્વાતંત્ર્યસંગ્રામમાં ય ભાગ લીધો જ હશે ને?” એ ભાઈને મારી વાતમાં રસ પડી ગયો હતો. ને એમાં જ એણે બહુ કઠિન સવાલ પુછી નાખ્યો.

હા, અત્યારે છું...” સાચું જ ને! યુવાનીમાં તો આવા કોઈપણ વાદ માટે સમય જ ક્યાં હતો. આખો દિવસ મજૂરી કરો ત્યારે માંડ થોડું ખાવા જેટલા પાઉન્ડ ભેગા થતાં. આવા બધી અગવડમાં જો હું આવા કોઈ વાદ માટે વિચારવા જાઉં તો ખાઉં શું. મને ને મારી બહેન બંનેને ભૂખે મરવાનાં દિવસો આવે, ને સારાએ પણ બધું ભણવાનું છોડીને મને મજૂરીમાં મદદ કરવી પડે. “ને ભાઈ, ત્યારે આઝાદી મેળવવા માટે લડાઈ લડવાનો વિચાર કરવા કરતા સાંજે જમવામાં શું ખાઈશું, એ પ્રશ્ન અમારા માટે વધારે અગત્યનો હતો. તો ય જોકે ગાંધીજીને મળ્યો છું હું, નાનો હતો ત્યારે.”

હું માંડ ત્રણેક વર્ષનો હોઈશ ત્યારે તીસની સાલમાં ગાંધીબાપુ મારા ગામમાં આવેલા. બાપુએ જ્યારે દાંડીકૂચ કરેલી ત્યારે તેઓ અમારા ગામમાંથી પણ પસાર થયેલા. ત્યારે હું એમને મળેલો. ત્યારે મેં ગાંધીજી જોડે વાતો પણ કરેલી, એમણે મારી પીઠ પણ થબડાવેલી. તેઓ જ્યારે ગામમાંથી ગયા ત્યારે મેં એમનો ક્યાંય સુધી પીછો કર્યો હતો. કેમ કે મારા બાપુજીએ મને આગલે જ દિવસે કીધેલું કે આ જ માણસ આપણને એક દિવસ આઝાદી અપાવશે.” એ વાતને ય આજે પંચ્યાશી-નેવું જેટલાં વર્ષ થવા આવ્યા હશે. “નાના હતાં ત્યારે આવો ઉત્સાહ હતો, પણ પછી પેટ ભરવાની દોડમાં બધું જ ભૂલાઈ ગયું. પછી તો હું બૉમ્બે ગયો, ને આઝાદી મળતાની સાથે લંડન"

લંડન માટે નીકળેલો ત્યારે જ નક્કી કરેલું કે હવે પાછા કોઈપણ દિવસ દેશ નથી આવવું. લંડન માટે નીકળ્યો ત્યારે મારી ઉંમર માંડ વીસેક વર્ષની હશે. પણ નાનપણનાં બે-ત્રણ વર્ષ સિવાય બાકીનાં બધા જ વર્ષ મારા માટે ટૅરિબલ હતાં. માટે જ તો મેં નક્કી કરેલું કે પાછા દેશમાં આવવું જ નથી.

નિયતિએ એનાં લેખમાં શું લખ્યુ હોય એ કોઈને જ ખબર નથી હોતી. એંશીનાં દાયકા સુધીમાં તો લંડનમાં અમારી કંપનીઓ ધમધોકાર ચાલતી થઈ ગઈ હતી. એ જ અરસામાં અમને એક ભારતીય કંપની તરફથી રાસાયણિક ખાતર બનાવવાનો એક મોટો કૉન્ટ્રાક્ટ મળે એમ હતું. એટલે કંપનીનાં સીઈઓ તરીકે મારી બહેન, સારાએ ઈન્ડિયા આવીને એ કંપની સાથે મીટીંગ કરવાનું નક્કી કર્યું. કૉન્ટ્રાક્ટ તો મળી ગયો, પણ સાથે સાથે સારાને દેશની માયા પણ લાગી ગઈ. લંડન આવતાની સાથે જ મને કહે કે ભાઈ ગામડે જવું છે, ને ઈબ્રાહીમને શોધવો છે. જેવો હોય તેવો, પણ ઈબ્રાહીમ આપણો ભાઈ છે. મેં એને બહુ સમજાવી, પણ એનેય પાછલી ઉંમરે એકવાર ગામડે જવું હતું, ને શક્ય હોય તો ભાઈને મળવું હતું.

પણ મેં નક્કી જ કરેલું કે જે થાય એ, ભલે ગામડે જઈશું, પણ ઈબ્રાહીમને તો સારા જોડે નહિં જ મળવા દઉં. અને એક દિવસે, હું અને સારા, અમદાવાદ ઍરપોર્ટ પર આવી ગયા.

પછી પ્રશ્ન એ થયો કે ગામડું શોધવું કઈ રીતે? એક તો અમારુ ગામ બહુ જ નાનકડું હતું, માંડ બે-ત્રણ ફળિયા ભેગા થતાં હશે. અમે અમદાવાદ ઍરપોર્ટથી ઉતર્યા બાદ સ્થાનિક ટુર્સ ઍન્ડ ટ્રાવેલ્સની કંપનીમાં અમારા ગામ અંગે તપાસ કરી, પણ કાંઈ વળ્યું નહિં. કોઈને પણ અમારા ગામ અંગે કાંઈ જ ખબર નહોતી. મને પણ ફક્ત ગામનું નામ ખબર હતી અને વધારામાં એટલું જ ખબર હતું કે અમારા ગામડેથી નર્મદાનો સાગરસંગમ નજીક હતો. આટલી માહિતિ પુરતી નહોતી. ને તે જમાનામાં તો ગુગલ જેવી કોઈ ચીજ પણ અસ્તિત્ત્વમાં નહોતી કે ફક્ત થોડાં બટન્સ દબાવ્યા અને તમને જે જોઈએ એ હાજર થઈ જાય. ત્યારે ગાંધીબાપુ અમારી મદદે આવ્યા. મને અચાનક જ યાદ આવ્યું કે હું નાનપણમાં દાંડીકૂચ વખતે અમારા ગામમાં ગાંધીજીને મળ્યો હતો. તરત જ અમે બુકસ્ટોરમાં ગયા, ને ગાંધીજી અંગેનું જેટલું પણ સાહિત્ય ઉપલબ્ધ હતું અે ખરીદી લીધું. પછી એક સારી હોટલમાં રોકાઈને અમે એ બુક્સ વાંચવાનું નક્કી કર્યું. બધી જ બુક્સ અમે જોઈ લીધી, ગાંધીજીની દાંડીકૂચ વિશે બધું જ વાંચી નાખ્યું, પણ ક્યાંય અમને અમારા ગામનાં નામનો ઉલ્લેખ જોવા ના મળ્યો. કદાચ અમારું ગામ જ એટલું નાનું હતું ને કે લખનારે એ જગ્યાનો ઉલ્લેખ કરવાનું પણ ઉચિત નહોતું માન્યું.

સારાને ય ગામડાની મુલાકાત લીધા વગર પાછા લંડન જવાનું ઉચિત નહોતું લાગતું. એણે વિયાર્યું કે ગાંધીજી ખરેખર દાંડીકૂચ દરમિયાન અમારે ગામડે આવ્યા હોય તો આપણે ય દાંંડીકૂચ કરી નાખીએ, રસ્તામાં ક્યાંક તો આપણું ગામડું આપણને મળી જશે ને! એનો પ્લાન સારો હતો, ને મને પણ ઉંડે ઉંડે ગામડે જવાની ઇચ્છા તો હતી જ. ઉપરથી અમારી રિટર્ન ફ્લાઈટને હજુ પંદર દિવસની વાર હતી. તો એટલા સમયમાં અહીં અમદાવાદમાં પડી રહેવા કરતા આવો પ્રવાસ કરી નાખવો શું ખોટો! અમે બીજા જ દિવસે અમદાવાદમાંથી એક લક્ઝરી કાર ભાડે કરી લીધી, ને પ્રવાસે નીકળી પડ્યા. પૈસાની તો અમારે કમી હતી જ નહિં. લંડનમાં અમારા કારખાના ફક્ત કૅમિકલ્સનું જ નહિં, પરંતુ જાણે પાઉન્ડનું ય છાપકામ કરતા હતાં!

દિવસે અમે કાર ચલાવતા, રસ્તામાં ગામડું આવે તો ત્યાં તપાસ કરતા, ને રાતે કોઈ હોટલમાં, ને હોટલ ના મળે તો કારમાં જ સૂઈ જતા. આમ કરતા કરતા નર્મદા આવી ને નીકળી પણ ગઈ, ને તાપી નજીક આવી ગઈ, પણ ગામ ના મળ્યું તે ના જ મળ્યું. એક ક્ષણ માટે મને પણ ભ્રમ થયો ને કે શું ખરેખર અમારા ગામ પાસેની તે મોટી નદી નર્મદા જ હતી કે? તાપી તો નહિં હોય ને?! જોકે હું પાંચ-સાત વર્ષનો હોઈશ ત્યારે જ અમે ગામ છોડીને બૉમ્બે જતા રહેલા, એટલે ગામડાની તો મને ઝાંખી સ્મૃતિઓ જ હતી. સારા તો ત્યારે માંડ બે-ત્રણ વર્ષની જ હશે. તોયે અમે મારી શંંકાનું સમાધાન કરવા છેક દાંડી સુધી ફરી વળ્યા, પણ ગામ ના જડ્યું તે ના જ જડ્યું.

યોગાનુયોગે અમે જે દિવસે દાંડી પહોંચેલા એ દિવસ ૬ ઍપ્રિલનો હતો. ગાંધીબાપુ પણ તીસની સાલમાં એ જ દિવસે પોતાની દાંડીકૂચ સમાપ્ત કરીને દાંડી પહોંચ્યા હતા. એટલે એ દિવસે તો દાંડીમાં એક મોટું ફંક્શન હતું. ને વધુમાં મને પોતાને દરિયાકિનારાની એ જગ્યા પણ બહુ જ ગમી ગઈ હતી. મનમાં ત્યારે જ થયેલું કે ભવિષ્યમાં આ જગ્યાએ આવતા રહેવું.

પુંઉઉઉઉઉઉ..... એક હળવા આંચકા સાથે ટ્રેઈન ત્યારે ઉભી રહી ને મારી વિચારયાત્રા ભાંગી. દસ વાગ્યાનો હું ટ્રેઈનમાં બેઠો હતો, ને ચારેક કલાક તો થઈ જ ગયા હતા, પણ જાણે એમ જ લાગતું હતું કે હું કેટલાય દિવસોથી ના બેઠો હોઉં. એક તો પેસેન્જર ટ્રેઈન હતી એટલે બધા જ સ્ટોપ કરતી હતી. આટલી વારમાં તો મારી આસપાસ બેસનારાઓ પણ બદલાયા કરતા હતા. એમની બોલી પણ બદલાયા કરતી હતી. બેઠો ત્યારે અમદાવાદી બોલી સાંભળી, હવે ચરોતરી સંભળાતી હતી, ને ટૂંક સમયમાં સુરતીનો પણ વારો લાગવાનો હતો. હવે તો ટ્રેઈનનાં એ ઘોંઘાટથી પણ હું ટેવાઈ ગયો હતો. ને આસપાસનાં લોકો સાથે સારી એવી વાત પણ કરી લેતો હતો. પણ મારે હિસ્સામાં મોટે ભાગે સાંભળવાનું જ આવતું. કેમ કે ગુજરાતી સાથેનો મારો નાતો વર્ષોથી ઓછો થઈ ગયો છે. હું સ્પષ્ટ રીતે ગુજરાતી વાંચી કે લખી શકું, પણ ગુજરાતી બોલવામાં તકલીફ પડે છે. મારી જીંદગીનાં સૌથી અમૂલ્ય એવા સિત્તેર વર્ષ મેં ધોળિયાઓની સાથે ગાળ્યા છે, એની જ આ સજા છે. મને ટ્રેઈનમાં સારું એટલે પણ લાગતું હતું કેમ કે લોકો એ હજુ મને ઓળખ્યો નહોતો.

ઓહ માય ગૉડ! આર યુ આઈઝેક, આઈ મીન મિસ્ટર આઈઝેક ટેલર? આઈએસએ ગ્રુપ ઑફ કંપનીસનાં માલિક...” ને છેવટે એક ભાઈએ મને ઓળખી જ લીધો. પછી મારે એમને બધી જ વાત કરવી પડી, કે હું કેમ અહીંયા છું, ક્યાં જાઉં છું, કેમ જાઉં છું, વગેરે વગેરે. તે લોકોને બહુ જ નવાઈ લાગેલી કે હું એક અબજોપતિ થઈને આવી રીતે દર વર્ષે દાંડીયાત્રા કરું છું. ને મારી ગામડાવાળી સ્ટોરી સાંભળીને તો તેમને એથી પણ વધારે નવાઈ લાગેલી, કે કોઈ આમ ફક્ત આકસ્મિક રીતે જ ગાંધીવાદી કેવી રીતે બની શકે! પણ ઉદાહરણ તેમની સામે જ હતું.

જોકે મેં પોતે પણ ક્યારેય નહોતું વિચાર્યું કે હું જતે દિવસે ગાંધીવાદી થઈશ. પણ પહેલીવાર દાંડી ગયા પછી મને ગાંધીજીમાં રસ પડી ગયો હતો. મને એ પ્રવાસમાં ગામડું ભલે ના મળ્યું હોય, પણ મહાત્મા જરૂર મળી ગયા હતા. પછી તો મેં લંડન જઈને ગાંધીજી અંગેનું બધું જ સાહિત્ય ખરીદી લીધેલું. ને નવરાશનાં સમયમાં એ બધું જ વાંચવાનું નક્કી કર્યું. મને સૌથી વધારે રસ એમના રચનાત્મક કાર્યક્રમો જેવા કે નઈ તાલીમ, ખાદી, આર્થિક સમાનતા, ગ્રામોદ્યોગ, નિર્વ્યસનતા, ગ્રામ આરોગ્ય, ગ્રામ સફાઈ, સ્ત્રી ઉન્નતિ વગેરેમાં પડેલો. ત્યારે જ મને એહસાસ થયેલો કે ઈન્ડિયાનાં ગામોને આની કેટલી બધી જરૂર છે. પછી તો હું લગભગ દર વર્ષે એકવાર દેશ આવીને અહીંનાં ગામોમાં આવા કામો કરતો.

પણ સર, તમે તો કીધું કે તમે બૉમ્બે જતાં રહેલા, તો પછી ત્યાંથી લંડન કેમ ગયા?” છેલ્લે એ પ્રશ્ન પણ પુછાય જ ગયો કે જેનો જવાબ મારે ક્યારેય પણ, કોઈને પણ આપવો નહોતો.

બેટા, તમારામાંથી કોઈપણ કદાચ આઝાદી વખતનાં ભારતમાં નહિં હોય, પણ ઓગણીસો સુડતાલીસનાં એ ભારતમાં હું હતો. મને જ ખબર છે એ સમયનું ભારત કેવું હતું એ...”

ત્યારે હું 'આઈઝેક’ પણ ક્યાં હતો?! ત્યારે તો મારી ઓળખ 'ઈસ્માઈલ’ તરીકેની હતી. એ ય જોકે મારી મૂળ ઓળખ ક્યાં હતી. બાપુએ તીસની સાલમાં આ આઈઝેક કે ઈસ્માઈલની પીઠ ક્યાં થબડાવી હતી! એ નાનકડું બાળક તો ઈશાન હતું. હા, હું જનમ્યો ત્યારે ઈશાન હતો, ઈશાન ચતુર્વેદી. મારા પિતાજી એક કર્મકાંડી બ્રાહ્મણ હતાં. મૂળ તો અમે ભટ્ટ, પણ પછી મારા પિતાજીએ કાશી જઈને સમસ્ત વેદાભ્યાસ કરેલો એટલે અમે ભટ્ટ મટીને ચતુર્વેદી થયેલાં. મારા બાપુજીની અદમ્ય ઇચ્છા હતી કે હું પણ વેદાભ્યાસ કરું. એટલે જ સ્તો હું એકદમ નાનો હતો ત્યારથી જ તેઓ મને ઋગ્વેદનાં સરળ મંત્રો શીખવાડવા માંડેલાં ને! કર્મકાંડ તો અમારા જીવનનો જ એક અતુટ હિસ્સો હતો. રોજ સવાર-સાંજ નદી પર જઈને સંધ્યા કરવાની. સંધ્યાથી આવ્યા બાદ પિતાજી પાસે રોજ કોઈને કોઈ શાસ્ત્રનો પાઠ લેવાનો. રોજ રાતે જમ્યા બાદ ભગવદગીતા વાંચવી એ ય અનિવાર્ય હતું. સંસ્કૃત પર મારી સારીએવી પકડ જામવા માંડેલી.

નિયતિને જોકે એ પણ મંજૂર નહોતું કે હું મારા પિતાજીનો વારસો સંભાળું. ગાંધીજી અમારા ગામમાં આવી ને ગયા એનાં બેએક વર્ષ બાદ અમારા ગામમાં મહામારી ફેલાઈ હતી. અડધા ઉપરનાં લોકો એ મહામારીમાં ઝડપાઈ ગયા હતાં. કમનસીબે અમારા આખા પરિવાર પણ એમાં સપડાઈ ગયો હતો. એ જ દરમિયાન ગામનાં રૂઢિચુસ્ત લોકો આ મહામારીનાં ફેલાવા અંગે જાતજાતની અફવાઓ ફેલાવા માંડી હતી. મારા બાપુજી કર્મકાંડી હતા, પણ રૂઢિચુસ્ત જરાય નહોતા. ગાંધીજીનાં માર્ગને તેઓ ચાલતા હતા, પણ ગામનાં મોટેભાગનાં લોકોને એ પસંદ નહોતું. કેમ કે મારા બાપુજીએ અપેરન્ટલી ઢે*વાડામાં, મ્લે*વાડામાં જવાનો અપરાધ કર્યો હતો. વધુમાં એમના ખાસ મિત્ર એક મ્લે* હતાં. જાહેરમાં તૈયબચાચા જોડે ફરતા કે બેસતા તેઓને ક્યારેય નાનમ નહોતી લાગી. ગામનાં લોકોને પણ તેઓ એવું જ કરવા અને ગાંધીજીનાંં માર્ગે ચાલવા માટે સમજાવતા રહેતા. ને ગામનાં મોટેભાગનાં રૂઢિચુસ્ત લોકોને એ જરાય પસંદ નહોતું. તેઓએ એટલે જ તો અમારા કુટુંબ સાથે વધારે ભળવાનું ઓછું કરી નાખ્યું હતું. ને જ્યારે મહામારી ફેલાઈ, ત્યારે આ જ રૂઢિચુસ્ત લોકોએ એવી વાતો કરવાનું શરૂ કરી દીધું કે ગામનાં એક કર્મકાંડી બ્રાહ્મણે ઢે*ને અને મ્લે*ને અડકવાનો અપરાધ કર્યો એથી જ ઉપરવાળાએ આખા ગામને મહામારીરૂપી સજા કરી હતી. અમારા કુટુંબમાં પણ બધા જ આ રોગની સામે ઝઝુમતા હતાં, છતાંય અડધું ગામ અમારી પીઠની પાછળ અને અડધું ગામ અમારી સામે જ અમને અમારા 'અપરાધ’ માટે ગાળો ભાંડતું હતું. એ જ અપરાધને કારણે અમારા ગામનો તો ઠીક પણ આસપાસનાં કોઈપણ ગામનો વૈદ અમારી સારવાર કરવા માંગતો નહોતો. અમારી આવી પરિસ્થિતિમાં જોકે મારા બાપુજીનાં એ 'મ્લે*’ મિત્ર જ કામે આવ્યા. તૈયબચાચા બિચારા રોજ આસપાસનાં ગામોમાંથી કોઈને કોઈ વૈદને શોધવા જતાં. વૈદ પહેલા આવવા તો તૈયાર થતો, પણ એને જેવી ખબર પડતી કે ચતુર્વેદી બ્રાહ્મણને ત્યાં જવાનું છે એટલે એની હા પણ ના માં બદલાઈ જતી. એક બાજું કોઈ ડૉક્ટર અમારે ત્યાં આવવા તૈયાર નહોતો, તો બીજી તરફ અમારા બધાની તબિયત બગડતી જતી હતી. છેવટે એક દિવસ મારી માંનું આયખુ ખૂટી ગયું.

ત્યારેય ગામવાળાઓને અમારી દયા ના આવી. ઉલટું એમણે મારી માતાનાં અગ્નિસંસ્કાર સ્મશાનભૂમિમાં કરવા માટે પણ ના પાડી દીધી. માંના શબને હાથ અડાડવા પણ કોઈ રાજી નહોતું. ઉપરથી ઘરનો મંદવાડ તો ત્યાંનો ત્યાં જ. છેવટે તૈયબચાચાએ કોઈક રીતે થોડા લાકડાં નદીકિનારે ભેગા કરીને ચિતા બનાવી દીધી. મારા એ જ મંદવાડમાં મેં મારી માંને મુખાગ્નિ આપ્યો.

આ જ મહામારી બીજા કેટલાયને ભરખી ગઈ હશે. બીજાને તો વૈદની દવાથી રાહત પણ મળતી હશે, પણ અમારા માટે તો રાહત જેવુ કાંઈ હતું જ નહિં. અમારા ઘરમાંથી બીજી બે લાશ નીકળે એ દિવસો પણ દૂર નહોતા. છેલ્લે કોઈ મોટા શહેરમાંથી એક ડૉક્ટર અમને સારવાર આપવા તૈયાર થયાં. ત્યાં સુધી ઘણો સમય વીતી ગયો હતો. બાપુજીએ તો ડૉક્ટરસાહેબનાં ખોળામાં જ દમ તોડી દીધો. પણ હું કદાચ મારા માતા-પિતા કરતા વધુ કમનસીબ હોઈશ, કે જેથી ડૉક્ટરે મારો જીવ કોઈક રીતે બચાવી લીધો.

ત્યારે, અને પછીનાં વર્ષોમાં પણ, મને હંમેશા જ થતું, કે હું પણ મારા માં-બાપુજી સાથે સ્વર્ગે સીધાવ્યો હોત તો સારું થાત. આ જીંદગી બહુ જ ખરાબ લાગવા માંડેલી મને. કેમ કે માં-બાપુજી તો મને મુકીને ચાલ્યા ગયા, પણ હવે મારું શું, મારું કોણ આ દુનિયામાં? મારા દૂરનાં એક કાકા હતા, પણ તેઓ પણ જમાના પ્રમાણે રૂઢિચુસ્ત, એટલે તેઓ પણ નાત બહાર મુકાવાનાં ડરથી મને એમનાં પોતાનાં ઘરે રાખવા માટે અચકાતા હતાં. આ વખતે પણ તૈયબચાચા જ મારી મદદે આવ્યા. તૈયબચાચા અને સકીનાચાચીને ત્યાં લગ્નનાં ઘણાં વર્ષો બાદ પણ કોઈ બાળક હતું નહિં. ને આ બાજું મારા જે કોઈપણ સંબંધીઓ બચ્યા હતા તેઓ મને તેમનાં ઘરે લઈ ના જવા પડે એ માટે વિવિધ બહાના બનાવી રહ્યાં હતાં. લાકડે માંકડું બેસી ગયું. ને તૈયબચાચાએ સરકારી વિધિ કરીને મને દત્તક લઈ લીધો હતો. મને આમ પણ પહેલેથી એમના ઘરે જવાનું ગમતું. તેઓ ગામની શાળામાં માસ્તર હતાં. એટલે મારા બાપુજી ઘણી વાર એમને ત્યાં મને ભણવા લઈ જતાં. સકીનાચાચીને કોઈ સંતાન હતું નહિં, એટલે તેમને પણ મારા પ્રત્યે બહુ જ હેત. મને દત્તક લેવાની વાતથી તેઓ પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતાં. ખરેખર! કોનાં અંજળપાણી ક્યાં લખ્યા હોય એ કોને ખબર! ઉપરવાળો એની રમત રમી રહે પછી જ ખબર પડે આપણને તો.

આ બધી વાત જ્યારે મેં ટ્રેઈનમાં જણાવી ત્યારે લગભગ દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. કાશ સિત્તેર વર્ષ પહેલા પણ આમની જેમ કોઈક આંખ ભીની કરવાવાળું હોત! તો આજે કદાચ મારા માં-બાપુજી જીવતા હોત.

સાંજ પડવા માંડી હતી. ભરૂચનું સ્ટેશન આવી ગયું હતું. હવે નવસારીને બે-ત્રણ કલાકની વાર હશે એમ મેં ગણી કાઢેલું. માનવસમાજ હવે સવાર કરતાં અલગ રૂપ લઈ રહ્યો હતો. સવારે મેં જ્યારે અમદાવાદથી મારો પ્રવાસ શરૂ કરેલો ત્યારે લોકો પોતાનાં કામે જતાં હતાં. હવે ધીરે ધીરે પાછા ફરવાનો સમય થવા માંડ્યો હતો. સવારે મને લોકોનાં મુખ પર તાજગી અને ઉત્સાહ દેખાતાં હતાં. હવે એ જ તાજગી અને ઉત્સાહનું સ્થાન થકાવટ અને કંટાળાએ લઈ લીધુ હોવાનું સ્પષ્ટ જણાી આવતું હતું. આ બાજુ મારું મન મારા એ ભૂતકાળનાં પ્રવાસે ઉપડી ગયું હતું કે જ્યાં મારે કોઈ દિવસ જવું નહોતું.

તૈયબચાચાને ત્યાં હું ખુશ હતો. અમારા સંબંધોમાં કાંઈ ઝાઝો બદલાવ નહોતો આવ્યો. ફક્ત એટલો ફરક પડી ગયો હતો કે તૈયબચાચાએ મને 'ચાચા’ને બદલે 'અબ્બુ’, અને સકીનાચાચીએ મને 'ચાચી’ને બદલે ‘અમ્મી’ કહેડાવવાનું શરૂ કરેલું. શરૂઆતમાં મને થોડી અલગ, ને કદાચ વિચિત્ર, લાગણીઓ પણ આવી હશે, પણ પછીતો એ રોજનું થઈ ગયું. આમેય એ સમયનાં મારા નાનકડાં મનને ક્યાં એ બધા શબ્દો વચ્ચેનો ભેદ પણ ખબર હશે?! મારી જીંદગી એમને ત્યાં સારી જતી હતી. અહીં નવા ઘરે આવીને પણ મારી કેટલીક જૂની આદતો જેવી કે સંધ્યા કરવા જવી, એ બાદ વેદાભ્યાસ કરવો, સાંજે ભગવદગીતાનું પઠન કરવું એ આદતો જતી નહોતી. અબ્બુએ મને આવું કરવાથી ક્યારેય ટોક્યો પણ નથી. ઉલટા તેઓ તો એક દિવસ મારા મૂળ ઘરે જઈને મારા પિતાનાં બધા જ ગ્રંથો મને લાવી આપેલા, કે જેથી હું મારો એ ગ્રંથાભ્યાસ કરી શકું. ફરક એ પડેલો કે આ બધાની સાથે સાથે તેઓ મને કુરાનની આયાતો પણ શીખવતા. મારે મન તો એ પણ એક પવિત્ર ધર્મગ્રંથ જ બની રહ્યો. અબ્બુએ મને કોઈ દિવસ પણ મારી કૌટુંબિક સોને મઢેલી રુદ્રાક્ષની માળા પહેરતા પણ રોક્યો નથી. ટૂંકમાં કહું તો મહામારીની ભયંકર આપત્તિ બાદ ફરીથી એકવાર મારું જીવન સામાન્ય થઈ ગયું હતું.

કાશ મારું ભવિષ્ય પણ મારા વર્તમાનની જેમ આટલું જ સામાન્ય હોત! મારા એમનાં ઘરમાં આવ્યા બાદ થોડા જ સમયમાં અબ્બુને ત્યાં સંતાન જનમ્યા, ટ્વિન્સ, એક છોકરો ને એક છોકરી. અબ્બુ કે અમ્મીની જગ્યાએ કોઈ બીજુ હોત તો આ ઘટનાથી એમનાં ઘરમાં મારું મહત્ત્વ ઓછું થઈ ગયું હોત. મારી સાથે એવું ન થયું. બલકે અબ્બુ ને અમ્મીને તો એમ જ લાગ્યું કે મારા એમના ઘરમાં જવાને કારણે જ અલ્લાહનો એમને આશીર્વાદ મળ્યો છે, નો એ આશીર્વાદ જ એમને ત્યાં જોડકાં બાળકોને સ્વરૂપે અવતર્યો છે. સમાજ પણ જો મારા અબ્બુ અને અમ્મીની જેમ વિચારતો હોત તો જીવન કેટલું સરળ ને સુંદર હોત. પણ સામાન્ય રીતે એવું નથી થતું.

અમારા ગામમાં જેમ રૂઢિચુસ્ત હિન્દુઓ હતાં, તેમ રૂઢિચુસ્ત મુસલમાનો પણ હતાં જ. હવે એ રૂઢિચુસ્ત મુસલમાનોએ મારી સામે ધીમો ધીમો ગણગણાટ કરવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં તો અબ્બુએ એમને અવગણ્યા જ હતાં. કેમ કે અબ્બુ એટલા બધા પણ ધાર્મિક નહોતાં. મેં એમને મસ્જિદમાં જતાં પણ કોઈક વાર જ જોય છે. અને મને તો તેમણે ક્યારેય કહ્યું જ નથી મસ્જિદમાં જવા માટે. પણ એક દિવસ, ઈદ નિમિત્તે, તેઓ અમને બધાને, ખાસ કરીને તેમનાં નવા જ જન્મેલા બાળકો, ઈબ્રાહીમ અને સનાને ખુદાનાં આશીર્વાદ અપાવવા મસ્જિદે લઈ ગયા ત્યારે મોટો ભડકો થઈ ગયો. નમાઝ પઢવા ભેગા થયેલા બધાએ જોર જોરથી કા*ર-કા*રનાં નારાઓ લગાવવા માંડ્યા. એક મૌલવીએ તો આવીને સીધું જ મારી તરફ આંગળી કરીને અબ્બુને કહી દીધું કે આ કા*ર મસ્જિદમાં નહિં આવી શકે. અબ્બુએ ઘણી દલીલો કરી પણ મૌલવીજી નહિં માન્યા તે નહિં જ માન્યા. વાત આટલેથી અટકી પડી હોત તો ખુબ જ સારું થાત. પણ મારા કમનસીબે એવું ના થયું. સાંજે જ સમાજનું મોટું ટોળું ઘરે આવીને અબ્બુને જાત જાતની ફરિયાદો કરવા લાગ્યું. મને ફક્ત એટલું જ ખબર હતી કે આ બધુ મારા કારણે થઈ રહ્યું છે. મને મનમાં ને મનમાં તો રડવું પણ આવી રહ્યું હતું, પણ રડીને પણ શું ફાયદો! અબ્બુ જ્યારે એ બધા જોડે વાત કરીને પાછા આવ્યા ત્યારે તેઓની આંખમાં પણ આંસુ હતાં. મેં એમને કીધું કે અબ્બુ મને અભ્યાસ માટે કાશી મુકી દો, તમારી ચિંતા પણ હલ થઈ જશે. જવાબમાં અબ્બુ રડી પડ્યા, ને મારાથી પણ વધારે બોલી ના શકાયુ.

તે રાતે મને ઉંઘ ના આવી. મનમાં તો વિચાર પર વિચાર જ આવ્યા કરતા હતાં. ઘડીકમાં એમ થતું હતું કે ઘર છોડીને નાસી જાઉં, તો ઘડીકમાં એમ થતું કે નર્મદામાં ડૂબકી મારીને સીધો જ મારા માં-બાપુજી પાસે પહોંચી જાઉં. એટલામાં મેં અમ્મી-અબ્બુને વાત કરતાં સાંભળ્યા, “સકીના, બીજો કોઈ ઉપાય જ નથી. સમાજ માને એમ નથી. ને આપણે એમની મરજી મુજબનું ના કર્યું તો શું થઈ શકે તેનું ઉદાહરણ તો અાપણી સામે જ છે...” અબ્બુએ કોઈનું નામ ના દીધું પણ હું સમજી ગયો કે તેમનો ઇશારો મારા બાપુજી તરફ હતો. “આપણે એને બસ એટલું જ કહીશું કે ફક્ત તારું નામ બદલાવવાનું છે. ને ઘરમાં બેસીને એ એનાં પાઠ કરે તો એમાં તને કે મને કોઈને ક્યાં વાંધો છે...”

અને એ પછીનાં થોડા જ દિવસોમાં હું ઈશાન મટીને ઈસ્માઈલ થઈ ગયો.

મને નહિં લાગ્યું કે એનાથી મારી જીંદગીમાં કોઈ મોટો બદલાવ આવ્યો હોય. કેમ કે તે એક દિવસની બધી વિધિઓને છોડ્યા બાદ મારું જીવન હજુંય પહેલા જેવું જ હતું. જોકે હવે પહેલાની જેમ નદીકિનારે મારું સંધ્યા કરવા જવાનું બંધ થયું હતું, પણ એથી વધીને બીજો કોઈ બદલાવ મારા જીવનમાં આવ્યો હોય એવું મને યાદ નથી. અબ્બુ-અમ્મી પહેલા પણ મને ઈસુ કહીને જ બોલાવતા ને પછી પણ ઈસુ કહીને જ બોલાવતા. પણ તેઓએ મને સમજાવી દીધેલું કે કોઈ જો મને મારુંં નામ પુછે તો મારે ઈશાન નહિં બોલવાનું, ઈસ્માઈલ જ કહેવાનું. તે સમયે તો જોકે મને આ બધું કરવા પાછળનો મતલબ પણ સમજાતો નહોતો.

પણ એ પછી મારી જીંદગી ફરી એકવાર સરળ રસ્તે ચાલવા લાગી. ઈબ્રાહીમ ને સના જોડે મને સારું ફાવી ગયું. સના સાથે તો ખાસ. એને હંમેશા મોટા ભાઈ જોડે રમવા જોઈતુ. ખાવા બેસે, તોય મારા ખોળામાં બેસીને જ ખાવું છે એવી જીદ પકડે. રાતે સુતી વખતે તો જ્યાં સુધી મારા મોંએ કોઈ ભજન કે પછી વાર્તા ના સાંભળે ત્યાં સુધી એને ઉંઘ જ ના આવે. નિશાળ જવું હોય તો પણ મારી સાથે બેસવાની જીદ પકડે, પણ કમનસીબે એની એ જીદ પુરી નહોતી થઈ શકતી - અમે અલગ વર્ગમાં જો હતાં. જે હોય તે, પણ આવી રીતે અમે ધીરે ધીરે મોટા થવા લાગ્યા હતાં.

આજે જ્યારે આ બધી ઘટનાઓ વિશે વિચારું છું ત્યારે તે સમયની પરિસ્થિતિ પર દુઃખ થાય છે. આમ જોવા જઈએ તો ભારતીય સમાજની જડતાને કારણે જ મારા માં-બાપુજીનો ભોગ લોવાયો હતો ને! એ ટાળી શકાયું હોત, પણ એવું ના થયું. ગાંધીજી કદાચ આવી જડતાનાં જ વિરોધી હતા. એટલે જ કદાચ મારા પાછલા વર્ષોમાં મને ગાંધી વિશે લગાવ થયો હશે ને હું ગાંધીવાદી બન્યો હોઈશ. ગાડીની બહાર હવે ધીરે ધીરે અંધારું ઘેરાવા માંડ્યું હતું. મુસાફરોની વાતચીત પરથી લાગતું હતું કે સુરત આવવાની તૈયારી હતી. સુરત આવી જાય પછી તો કલાકનો જ રસ્તો હતો નવસારીનો. નવસારી પહોંચતા તોયે રાત થઈ જશે એવું લાગતું હતું. અત્યારે તો જોકે ટ્રેઈનની બહાર સંધ્યાની લાલિમા જ હતી.

અમે જ્યારે બૉમ્બે શિફ્ટ થયાં ત્યારે એવી જ સંધ્યા મારા જીવનમાં પણ આવી ગઈ હતી. ને એ સંધ્યા રાત્રિમાં ફેરવાય તેને પણ ઝાઝો સમય બાકી નહોતો રહ્યો. ઈબ્રાહીમ ને સનાનાં જન્મનાં દશ-પંદર વર્ષ બાદ અચાનક અમ્મીની તબિયત બગડી, ને દિવસે ને દિવસે બગડતી જ ચાલી. અબ્બુએ સ્થાનિક વૈદથી માંડીને શહેરનાં મોટા ડૉક્ટર સુદ્ધાંને બતાવી જોયું. કોઈની દવાથી લાંબો ફરક પડતો નહોતો. શહેરનાં મોટા ડૉક્ટરસાહેબે તો સીધું જ કહી દીધું હતું કે તમારે જો પેશન્ટને બચાવવા હોય તો બૉમ્બે લઈ જવા પડશે. એ સિવાય એમનો ઈલાજ શક્ય નથી. પણ બૉમ્બે જવું કઈ રીતે. અબ્બુ કાંઈ એટલા બધા પૈસાવાળા નહોતા કે તેઓ બૉમ્બે જઈને અમ્મીનો ઈલાજ કરાવી શકે. પણ એવું કહે છે ને કે ઉપરવાળો પણ કોઈ દી' આપણે સહન કરી શકીએ એના કરતા વધારે કાંઈ આપતો જ નથી. અબ્બુની ધીરજ પણ ખૂટવા જ આવી હતી એ ટાણે રફીકમામા અલ્લાહનું સ્વરૂપ બનીને આવ્યા. અમ્મીનાં એ કોઈ દૂરનાં ભાઈ થતાં હતાં. ખરી મદદ તો એમણે જ કરી. એમની બૉમ્બેમાં કોઈક મિલમાં સારી નોકરી હતી. “તૈયબમિંયા, તમે બધાને લઈને બૉમ્બે આવી જાઓ. હું તમને મારી મિલમાં સારી નોકરી અપાવી દઈશ. ને મારો શેઠિયો પણ ભલો છે, એ એક હૉસ્પિટલ પણ ચલાવે છે. ત્યાં બહેનનો ઈલાજ પણ થઈ શકશે, ને તે ય રાહતદરે. બૉમ્બેમાં બચ્ચાઓને સારું ભણતર પણ મળી શકશે...”

ને અમે બૉમ્બે શિફ્ટ થઈ ગયા. ત્યાં રફીકમામાની ખોલીમાં એક-બે રૂમ વધારાનાં જ હતાં, તેમાં અમારું રહેવાનું પણ થઈ ગયું. હજુ પણ મને એ દિવસો યાદ છે, ઓગણીસોને છેતાળીસનું વર્ષ હતું એ. વાતાવરણમાં ત્યારથી જ આઝાદીની હવા ઘુમરાવા માંડી હતી. વિશ્વયુદ્ધ પત્યાને થોડો જ સમય થયો હતો. બ્રિટનમાં સરકાર બદલાઈ ગઈ હતી. બધા વાતો કરતા હતાં કે ત્યાંની ચૂંટણીમાં ભારતવિરોધી ચર્ચિલ હારી ગયો છે, ને ભારતને આઝાદી આપવાનું વચન આપનાર એટલી જીત્યો છે. બધાનું એવું જ માનવું હતું કે હવે ટૂંક જ સમયમાં આઝાદી મળશે જ.

આઝાદી મળવાની સાથે સાથે પાકિસ્તાન મળવાની વાતો પણ થવા માંડી હતી. અમે મુસ્લિમ વિસ્તારમાં રહેતા હતાં. તો ત્યાંનાં ઘણાં લોકો પાકિસ્તાનની તરફેણ પણ કરતાં હતાં. પણ અમને ક્યાં એનાથી મોટો ફરક પડતો હતો!? પાકિસ્તાન માટે વધારે વિચારવાનો સમય મળે તો અમે એ વાતની પરવા પણ કરીએ ને! અમ્મીને હૉસ્પિટલમાં દાખલ કરી હતી, અબ્બુએ આખો દિવસ નોકરીએ જવું પડતું. એટલે ઘરની બધી જ જવાબદારી નાની સના પર આવી ગઈ હતી. સનાની ઉંમર માંડ ત્યારે પંદરેક વર્ષની હશે. પણ જવાબદારીઓનાં બોજ તળે દબાઈને એની ઉંમર વધી ગઈ હોય એવું લાગતું હતું. ઈબ્રાહીમ પણ પંદરનો જ હશે, એ અહીં નિશાળમાં જતો હતો, ને બાકીનાં સમયમાં ગલીનાં છોકરાઓ જોડે ફર્યા કરતો. મને પણ અબ્બુએ નિશાળ જવાનું કહ્યું હતું, પણ મને એ ગમતું નહિં, કેમ કે ઘરમાં એક તો પૈસાની ખેંચ રહેતી, ઉપરથી હું પોતે કમાવા જેટલી ઉંમરનો તો થઈ જ ગયો હતો. તો હું સવારે વહેલો ઉઠીને મજૂરી કરવા પહોંચી જતો, તે છેક બપોર સુધી. બપોરે ઘરે આવીને જમતો, પછી સનાને કામમાં મદદ કરતો, ને સાંજે પાછો મજૂરી પર નીકળી જતો, તે છેક મોડી રાત સુધી. અબ્બુને ઘરે આવતા તો રાત થઈ જતી. અમે બે જણાં કામ કરતા હોવા છતાં ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરતી નહોતી. અમ્મીની દવામાં જ ઘણાં પૈસા ખર્ચાઈ જતાં.

અમારી સાથે સાથે બૉમ્બેની પરિસ્થિતિ પણ બગડતી જતી હતી. વાત તો એવી સાંભળવા મળતી કે નેહરુએ સરકારમાં મુસ્લિમ લીગને સ્થાન આપીને ભારતનો જ સોદો કરી નાખ્યો છે. કૉંગ્રેસીઓ એવી વાત કરતા કે મુસ્લિમ લીગ સરકાર ચાલવા નથી દેતી, ને ઝીણા એવી ફરિયાદ કરતાં કે કૉંગ્રેસ એમને સ્વતંત્ર રીતે કામ કરવા ન દઈને સરકાર તોડાવવા માંગે છે. ક્રિપ્સ નામનો કોઈ ધોળિયો ભારત આવ્યો ત્યારે શરૂઆતમાં બધાને એની તરફથી બહુ આશાઓ હતી, પણ એ બધી જ આશાઓ ઠગારી નીવડી, સાયમન સાથે પણ એવું જ થયું. અલગ પાકિસ્તાનની માંગ સાથે લગભગ રોજ જ સરઘસ નીકળતા. ઘણીવાર તો પરિસ્થિતિ બગડતા કોમી દંગા પણ થઈ જતાં. રોયલ નેવી પણ અંગ્રેજો સામે બગાવતે ચઢી હતી. છેતાળીસનું લગભગ આખું વર્ષ આ રીતે જ પસાર થયુ હશે.

જોકે આ બધી અમારા માટે તો વાતો જ હતી. રાજકારણીઓ એમની મોટી મોટી રમતો રમે એનાથી અમને વધુ કાંઈ ફરક પડતો નહોતો. જ્યાં સુધી અમને સાંજ સવાર ખાવાનું મળી રહે, ને અમ્મીનો ઈલાજ સરખી રીતે ચાલતો રહે ત્યાં સુધી દિલ્હીની ગાદી પર કૉંગ્રેસ બેઠી હોય કે કોઈ ધોળિયો બેઠો હોય, અમારા માટે તો બધુ સરખું જ હતું. સવાર-સાંજ ખાવાનું મેળવવાની ચિંતા સમાપ્ત થાય તો દેશની ચિંતા કરવાનો સમય મળે ને! આ બધી વાતો તો માત્ર કામ કરતા કાને ચઢી ગયેલી વાતો હતી, ને એ અંગે વિચારવાનું પણ મજૂરી કરીને આવ્યા બાદ બંધ થઈ જતું.

ઈબ્રાહીમને પાસે જોકે આ બધી વાતો માટે ભરપુર સમય હતો. એ સવારે નિશાળે જતો એ જ, બાકીનો સમય એને કોઈ કામ હતું નહિં. હું બપોરે ખાવા માટે ઘરે આવું ત્યારે જ એની નિશાળ પણ છુટે, ને અમે લગભગ દરરોજ સાથે જ ભોજન લેતાં. મને ઘણીવાર એને કહેવાની ઇચ્છા પણ થઈ આવતી કે એ એનાંં બપોર પછીનાં સમયમાં કામ કરે તો સારું, કેમ કે હું ને અબ્બુ આખો દિવસ કામ કરતા હોવા છતાં અમને રૂપિયાની ઘણી ખેંચતાણ રહેતી. ઘણી વાર તો એમ પણ વિચાર આવી જતો કે આના કરતા તો બૉમ્બે ન આવ્યા હોત તો જ સારું હોત, ગામડે સુખેથી બે ટંક ખાવા તો મળી રહેત. પછી અમ્મીનો વિચાર આવતા જ હું મારો એ વિચાર મુકી દેતો. રૂપિયાની આટલી ખેંચતાણ હોવા છતાંય મેં ઈબ્રાહીમને કામ કરવા ના કહ્યું એટલે એ એની નિશાળ છુટે પછી અમારી ગલીનાં છોકરાઓ સાથે રમ્યા કરતો. ઘણીવાર તો હું રાતે મારી મજૂરીની બીજી શિફ્ટ કરીને આવું ત્યાં સુધી એ ગલીની મસ્જિદનાં બાંકડે બેઠો હોય.

મેં ભલે એને કામ પર જવા ના કહ્યું હોય, પણ એ આવી રીતે ગલીનાં છોકરાઓ જોડે આખો દિવસ બેસી રહે એ પણ મને ગમતું નહિં. એમાંનાં મોટે ભાગેનાં છોકરાઓ તદ્દન જ બેરોજગાર હતા, આખો દિવસ કાંઈપણ કામધંધો કરતા નહિં, પણ ફક્ત મસ્જિદનાં બાંકડે બેસી રહેતા, આવતી જતી છોકરીઓ પર એમની સડેલી નજર માર્યા કરતા, ને એમને જો કોઈપણ કાંઈ પણ કહેવા જાય તો કાનનાં કીડા ખરી પડે એવી ગાળો સંભળાવતા. ને ઈબ્રાહીમ લગભગ આખો દિવસ તે બધાઓની સાથે ફર્યા કરતો. મેં એને એક-બે વાર સમજાવવાની કોશિશ કરી જોઈ. પછી થાય એવું કે હું એને વાત કરું તેનાં એક-બે દિવસ સુધી એ ઘરમાં બેસી રહે, પછી પાછા હતા ત્યાંનાં ત્યાં.

એકવાર અમારી ઘરનાં પાસેનાં મેદાનમાં મુસ્લિમ લીગનાં કોઈ નેતાની સભા હતી. સભા બહુ મોડે સુધી ચાલી હોવી જોઈએ, કેમ કે હું મારી મજૂરીની બીજી શિફ્ટ ખતમ કરીને આવ્યો ત્યારે પણ ત્યાં જબરદસ્ત ભીડ હતી, પાકિસ્તાન ઝિંદાબાદનાં નારા લાગતા હતા. મેં તો મારી મેળે મુંડી નીચી કરીને ચાલવા જ માંડ્યુ હતું, પણ ત્યારે મને એક પરિચિત અવાજ સંભળાયો, ‘...યે આયા અપના કા*ર...’. મેં પાછળ ફરીને જોયું તો એ ઈબ્રાહિમ હતો. મને ઘડીભર તો વિશ્વાસ પણ ના થયો કે ઈબ્રાહીમ આવું બોલી શકે! પણ એ અવાજ એનો જ હતો એ નક્કી. મેં એના નામની બુમ પાડી, તો એ કાંઈક બબડતો બબડતો મારી પાસે આવ્યો, ને આવતાની સાથે જ મને એક ગંદી ગાળ આપી. એણે દારૂ પીધો હતો! એને વધુ કાંઈ કહેવાનો અર્થ જ નહોતો, નશામાં એ મારી કોઈપણ વાત સાંભળે એમ નહોતો. મેં એને સમજાવી પટાવીને ઘરે લઈ આવવાનું જ મુનાસિબ માન્યું. તરત જ મનમાં પ્રાર્થના કરી કે અબ્બુ ના આવ્યા હોય તો સારું, નહિતર અબ્બુ ઈબ્રાહિમને આ હાલતમાં જોઈને શું શું કરી નાખશે. એક તો એમના માથે અમ્મીની સારવારનું પહેલેથી જ ટેન્શન હતું, ઉપરથી આ બીજુ ટેન્શન તેઓ કેમ સહન કરી શકશે! પણ પાડ ઉપરવાળાનો કે અબ્બુ હજુ આવ્યા નહોતા, પણ સના તો હતી જ ને! એ તો ઈબ્રાહિમની આ હાલત જોઈને રડવા જ માંડી હતી. પણ ઈબ્રાહિમને આની ક્યાં પડી હતી, એણે તો ઉપરથી રડતી સનાને જ બીજી બે-ત્રણ ગાળો પરખાવી દીધી. અત્યાર સુધી મેં એને કાંઈ કહ્યુ નહોતુ, પણ હવે મને પણ ગુસ્સો આવી ગયો. મેં તરત જ પાણીની એક આખી બાલ્ટી એના પર ઉંધી વાળીને એને ગાલ પર બે-ત્રણ થાપટ લગાવી આપી. હજુ પણ જોકે એ નશામાં જ હોય એવું મને લાગતું હતું, કેમ કે આટલો માર ખાવા છતા હજુ એ મને ગાળો આપતો હતો. “કાલથી તારું ઘરની બહાર નીકળવાનું બંધ, નિશાળથી આવીને તું સીધો મને ઘરમાં બેસેલો જોઈએ. ને જો એવું ના થયું તો મારા હાથનો માર ખાવા તૈયાર જ રહેજે...” પછી મેં એને ઘસડીને એની પથારીમાં નાખી દીધો. સના હજુંય રડતી હતી.

મેં એને મારતા મારી તો દીધો, પણ પછી મને અફસોસ થયો. ગમે તેમ પણ એ મારો ભાઈ હતો, મારે એને મારવો ન જોઈતો તો. પછી તરત જ વિચાર આવતો કે એણે સનાને ગાળો દીધી હતી, તે તો હું ક્યારેય ના ચલાવી લઉં. ઈબ્રાહિમ તો પાછો અમે બૉમ્બે રહેવા આવી ગયા ત્યારથી આ બધા સાથે ફરતો હશે. કાશ મેં એને ત્યારે જ રોક્યો હોત! તો વાત આજે આ હદ સુધી વણસી ના હોત. એણે બોલેલો ‘કા*ર’ શબ્દ હજુ સુધી મારા દિમાગમાંથી જતો નહોતો. ન જાણે બીજું તો આવું કેટલુંય ઝેર એના દિલોદિમાગમાં ભરેલું હશે. બીજા દિવસે જ મેં આખી વાત, જે થાય એ, અબ્બુને કહેવાનું નક્કી કર્યું. કેમ કે દિવસો ખરાબ ચાલતા હતાં. આઝાદી મળશે એવો આનંદ જરૂર હતો, પણ એ આનંદની સાથે સાથે કોમી રમખાણોનું દુઃખ પણ હતું જ. રોજ કશે ને કશેથી સમાચાર આવતા હતા કે આજે આ જગ્યાએ ધમાલ થઈ, ને આટલા માણસો મરી ગયા; આજે ફલાણી જગ્યાએ ધમાલ થઈ ને આટલા લોકો ધમાલમાં તેમજ આટલા લોકો પોલીસનાં લાઠીચાર્જમાં મરાયા. આવા સમયમાં મહોલ્લાનાં આવારા લોકો સાથે ફરવું એ જીવ જોખમમાં મુકવાનું જ કામ હતું, ને આટલી નાની ઉંમરમાં દારૂનાં રવાડે ચડી જવું એ કાંઈ સારી વાત ના કહેવાય.

પણ અફસોસ, હું મોડો પડ્યો! બીજી રાતે કામ પરથી પાછા ફરતા જોઉં છું તો આખો મહોલ્લો સુમસામ. ઘણાં બધા ઘરની તો ઘરવખરી ય બહાર પડેલી હતી. એ ઉપરાંત કશેથી કાંઈક તીવ્ર વાસ આવતી હતી. ત્યાં જ કુતરાઓ પણ ભોંક્યા કરતા હતાં. નજીક જઈને જોયું, તો કોઈકની લાશ પડી હતી. તરત જ મને અણસાર આવી ગયો કે અમારો મહોલ્લો એ દિવસોમાં ચાલતા રમખાણોનો ભોગ બન્યો હતો. મેં તરત જ અમારા ઘર ભણી દોટ મુકી, કેમ કે આ સમયે સામાન્ય રીતે સના ઘરમાં એકલી હોય. એની સાથે શું શું બની ચુક્યુ હોય શકે એના વિચારમાત્રથી મારા શરીરમાં એક કંપારી છુટી ગઈ. તરત જ મેં મારા મનમાં પ્રાર્થના કરી દીધી કે સના સાથે કાંઈપણ ખરાબ થયું હોવું ના જોઈએ.

અમારું ઘર તો બાકીનાં બધાનાં ઘર કરતા પણ વધારે ભેંકાર લાગતું હતું. ત્યારે જ મારા શરીરમાં બીજી એક કંપારી છુટી ગઈ, નક્કી જ કાંઈ ન બનવાનું બની ગયુ લાગે છે. મેં ઘરમાં સનાનાંં નામની બુમો પાડી, જવાબમાં કાંઈ જ નહિં. હું ધીરે ધીરે અંદર જતો હતો, તેમ તેમ મારા હ્રદયનાં ધબકારા પણ વધતા જ જતાં હતાં. બીજી વખત સનાનાં નામની બુમ પાડી ત્યારે અંદરથી એક ઉંહકારો સંભળાયો.

હું રોજ રાતે જ્યાં સુતો હતો ત્યાં અબ્બુ પડ્યા હતાં. અબ્બુનાં લગભગ આખા શરીરમાંથી લોહી નીકળતું હતું. કોઈકે એમના આખા શરીર પર ખૂબ જ ખરાબ રીતે પ્રહારો કર્યા હતાંં. પાસે જ મારા બધા જ ગ્રંથો, કે જે હું મારા પોતાનાં ઘરેથી લાવ્યો હતો, એ અડધી સળગેલી દશામાં વેરવિખેર પડ્યા હતાં, ને એમાંથી હજુ પણ થોડો થોડો ધુમાડો નીકળ્યા કરતો હતો. અબ્બુ પર આટલા બધા પ્રહારો થયા છતાં પણ તેમનામાં જીવ હતો. પહેલા તો મને શું કરવું એ જ સમજ ના પડી, જાણે મારા આખા શરીરને લકવો મારી ગયો હોય એવું જ લાગ્યું. અંદરથી હું રડવા માંગતો હતો, પણ રડી નહોતું શકાતું. કાંઈ બોલવું હતું, પણ બોલવાનાં પણ હોશોહવાસ નહોતા. થોડીક ક્ષણો સુધી તો આમ જ હું અબ્બુને તાક્યા કર્યા હશે. પછી અચાનક જ મને શું સુઝ્યું, તે મેં એમનું માથું મારા ખોળામાં લઈ લીધું અને પ્રેમથી એમના કપાળે મારો હાથ મુક્યો. ત્યારે એમનામાં થોડા પુરતો જીવ આવ્યો હોય એમ લાગ્યું, “કોણ, ઈસુ કે? ઉંહહહ... બેટા... દુનિયા બહુ જ ખરાબ છે ઉંહહહ..., તું, સના ..... ઈબ્રાહીમને લઈને ક્યાંક દૂર જતા રહો... મારી આ વાત માનજે, હું હવે જીવી...” આટલું બોલીને તેઓ તો સીધાવી ગયા. મારી આંખોમાંથી એ સમયે આંસુની ધારા નીકળી પડી.

એ ક્ષણે મને ઉપરવાળાનાં અસ્તિત્ત્વ સામે પણ શંકા થઈ ગયેલી. મેં મારા ત્યાર સુધીનાં બધા જ વર્ષ એક કર્મકાંડી બ્રાહ્મણની જેમ જ ગાળ્યા હતાં. અબ્બુને ત્યાં આવ્યા પછી પણ મારો આ ક્રમ તો ચાલુ જ રહ્યો હતો. છતાંય મારી સાથે ક્યારેય કાંઈપણ સારું થયું હોય એવું મને યાદ નથી આવતું. મારા માં-બાપુજી મને એકલો મુકીને ચાલ્યા ગયા. સમાજે મારું ધર્મપરિવર્તન કરાવી નાખ્યું. છતાંય બેમાંથી એકપણ સમાજ મને પોતાનો ગણવા માટે તૈયાર જ નહોતો. હિન્દુ રૂઢિચુસ્તોએ મને એમ કરીને ધિક્કાર્યો કે મેં મ્લે*ને અડક્યો છે, ને મુસલમાનો મને કા*ર કહીને તરછોડતા હતા. શું આ દુનિયામાં માનવતા નામની કોઈ ચીજ જ નથી? વધારે દુઃખ તો મને એટલે થતું હતું કે અબ્બુ મારા કારણે જ મર્યા હશે, કેમ કે મારનારે મારા વેદ સહિતનાંં ગ્રંથો સળગાવી મુક્યા હતા. સળગાવનારા માટે તો એ ફક્ત થોડા કાગળિયા હશે, પણ મારા માટે તો એ મારા બાપુજીનો વારસો હતો.

થોડી વારમાં અચાનક મને સનાનો વિચાર આવ્યો. આખા ઘરમાં સના તો હતી જ નહિં. ત્યારે મને ધ્રાસકો પડ્યો. તરત જ હું સનાને શોધવા બહાર નીકળી ગયો. પણ આખા બૉમ્બેમાં સનાને શોધવી ક્યાં? ઈબ્રાહીમનો પણ કોઈ અતોપતો નહોતો. મેં પહેલા તો ઈબ્રાહીમને શોધવાનું વિચાર્યું - એ કદાચ કાલવાળા જ પેલા મેદાન પાસે હોય શકે. જેવો હોય તેવો, તો ય મારો ભાઈ હતો.

અબ્બુને અમારા જ ઘરમાં જે રીતે ઘાયલ પડેલા જોઈ મને જેવો આંચકો લાગ્યો હતો, તેનાથી પણ મોટો આંચકો મને પેલા મેદાને પહોંચીને લાગ્યો. ત્યાં કોઈક વાતની ઉજવણી થતી હતી, ને પાંચેક લોકો દારૂ પીને નાચતા હતા. બધાની વચ્ચે કોઈક છોકરી અર્ધનગ્ન હાલતમાં નાચી રહી હતી. મેં એ પાંચમાં ઈબ્રાહીમ છે કે કેમ તે જોવા નજર દોડાવી, પણ ત્યાં જ મારું ધ્યાન એ નાચવાવાળી છોકરી પર પડ્યું. એ સના હતી! બિચારી રડી રહી હતી, પણ આજુબાજુના લોકો એને નાચવા પર મજબુર કરી રહ્યા હતાં, ને કેટલાક એને 'કા*ર કી બેહેન...’, ને બીજા એનાથી પણ ખરાબ અપશબ્દોથી નવાજી રહ્યા હતાં. ઈબ્રાહીમ પણ એ લોકોમાંથી જ એક હતો. મને જોરદાર આઘાત લાગ્યો, કોઈ પોતાની સગી બહેન જોડે આવો વર્તાવ કઈ રીતે કરી શકે?! જેવો સનાએ મને જોયો કે તરત જ એ રડતી રડતી આવીને મને ભેટી પડી, એની સાથે જ પેલા બધા મારી સામે ધસી આવ્યા. મેં માંડ મારું એક નકલી કડું સોનાનું છે એમ કહીને એમને આપી એમનો પીછો છોડાવ્યો. મોટેભાગેનાં પીધેલા હતાં, એટલે એમને મારી ચાલાકીનો ખ્યાલ આવે એની સંભાવના ખૂબ જ ઓછી હતી.

ઈબ્રાહીમે આવું કર્યા બાદ એને અમારી સાથે લેવાની મને કોઈજ ઇચ્છા નહોતી. હું અને સના એકલા જ ત્યાંથી ચાલ્યા ગયાં. પણ જવું તો જવું પણ ક્યાં? પહેલા તો મેં અમ્મીને જે હૉસ્પિટલમાં રાખ્યા હતા, ત્યાં જવાનું નક્કી કર્યું. ત્યાં જઈને જોયું તો એ હૉસ્પિટલ પણ ભડકે બળતી હતી. ઠેર ઠેર પોલીસ ઉભી હતી, અંદર જવાનો કોઈ માર્ગ નહોતો. મેં હવાલદારને અંદરનાં પેશન્ટ અંગે પુછી જોયું, પણ બદલામાં મને મરાઠીમાં ગાળ સાંભળવા મળી. હવે મને ખરેખર એવું લાગવા માંડ્યુ હતું કે વધારે લાંબો સમય આ શહેરમાં રહેવું, મારા અને સના બંને માટે જોખમકારક પુરવાર થઈ શકે એમ હતું. પણ હજુ એ પ્રશ્ન ઉભો જ હતો, કે જવું તો જવું ક્યાં? ગામડે પાછા જતા રહેવું એ એક વિકલ્પ હતો, પણ ત્યાં પાછા જઈને રહેવું ક્યાં? અબ્બુએ એમનું ઘર તો વેચી નાખ્યું હતું, ને મારા પોતાનાં ઘરની તો આટલા વર્ષે શું હાલત હશે એની કલ્પના કરી શકવી પણ અઘરી બાબત હતી. વધુમાં ત્યાં જઈએ તો પાછા એ જ રૂઢિચુસ્તોની ગાળ સાંભળવાની, એટલે એ વિચાર તો જેવો આવ્યો એવો જ મેં મનમાંથી કાઢી નાખ્યો. બીજી બાજુ સનાની હાલત એકદમ ખરાબ હતી. પેલા મેદાનવાળી ઘટના પછી એ એકદમ સુમસામ થઈ ગઈ હતી, કાંઈ જ બોલી રહી નહોતી. હું એને વારે-વારે સધિયારો આપી રહ્યો હતો, પણ કોણ જાણે એ ઘટનાની એના પર શું અસર થઈ હશે. મારી પાસે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય બીજો રસ્તો પણ ક્યાં બચ્યો હતો! થોડી વાર રહીને એ મને વળગીને રડી પડી, ક્યાંય સુધી એનું એ રૂદન ચાલ્યું હશે. પણ એ રડી તે ય સારું જ થયું, મન થોડું હલકુ તો થયું!

પછી મને બે દિવસ પહેલા રેડિઓ પર સાંભળેલા એક સમાચાર યાદ આવી ગયા. આઝાદી વખતે જો કોઈની પાસે બ્રિટિશ-હિંદનો પાસપૉર્ટ હોય, તો એ વ્યક્તિ ભારત, પાકિસ્તાન અથવા ઈંગ્લૅન્ડ, એ ત્રણમાંથી કોઈપણ દેશમાં નાગરિક તરીકે રહી શકે એમ હતું. અમે બધા બૉમ્બે આવ્યા એ પહેલા એક વાર હજ કરવા મક્કા-મદીના ગયા હતા, એટલે અમારી બધાની પાસે બ્રિટિશ-હિંદનો પાસપૉર્ટ હતો જ! લંડન જ જતા રહેવાનો મને વિચાર આવી ગયો. હિંદમાં રોકાઈને પણ શું કરવું? અડધુ હિંદ કોમી રમખાણોની આગમાં બળી રહ્યું હતું. ને જેમ જેમ આઝાદીનો દિવસ નજીક આવતો હતો તેમ તેમ રમખાણોની સંખ્યા પણ વધતી જતી હતી. હું એકવાર રમખાણોની આગમાં બળીને મારું અડધું ઉપર કુટુંબ ખોઈ ચુક્યો હતો, મારે હવે વધારે કાંઈ ખોવું નહોતું. સવાલ હવે માત્ર પૈસાનો હતો. લંડન જવા માટેનાં પૈસા લાવવા ક્યાંથી? ઘરેથી કદાચ થોડાં પૈસા મળી જાય, પણ ઘરે જવું જ એ એક જોખમભર્યું કામ હતું. મારી પાસે ગજવામાં થોડા પૈસા હતા, પણ એ પૈસાથી હું લંડન તો શું, હું વીટી સુધી પણ જઈ શકું કે તે એક સવાલ હતો! પણ ઘરે તો કાંઈપણ કરીને જવા જ પડે એમ હતું, પાસપોર્ટ તો ઘરે જ હતાં ને! સનાને ત્યાં લઈ કેમ જવી, કેમ કે અબ્બુની લાશ હજુ સુધી ત્યાં જ પડી હશે. ને સનાને જો એ વાતની ખબર પડે, તો તો એની શું હાલત થઈ જાય એની તો કલ્પના કરવી પણ ભારે કામ હતું. મેં વચલો રસ્તો કાઢ્યો, ઘરે તો અમે ગયા, પણ પાછળનાં રસ્તે. પાછળનું બારણું તોડીને અમે ઘરમાં ગયા. મેં સનાને પાછળનાં ઓરડામાં જ બેસાડી રાખી, આગળ અબ્બુની લાશ હતી, જે એ ના જોય તો જ સારું હતું. મેં ઘરમાંથી લાંબી શોધખોળ કરીને અમારા બેનાં પાસપોર્ટ અને જે થોડા પૈસા મળ્યા તે લઈ લીધા. સના હજુ પાછળ જ બેઠી હતી. હવે જોકે આટલી મોડી રાતે મેં બહાર જવાનું માંડી વાળતા રાત ઘરમાં જ વીતાવવાનું નક્કી કર્યું. જોકે ત્યારે મારા મનમાં ઉંડે ઉંડે એવી આશા પણ હતી કે રાતે જો ઈબ્રાહીમ ઘરે આવે તો એને સમજાવી-પટાવીને અમારી સાથે લઈ લઉં. ગમે તેમ પણ મારો ભાઈ હતો એ. આ બાજુ સના પાછી મને વળગીને રડવા માંડી હતી. એણે મને થોડી થોડી વારે અબ્બુ વિશે પુછ્યા કર્યું. પણ મારી હિંમત જ નહોતી એને જવાબ આપવાની! રડતા રડતા જ એ થોડી વાર પછી એ જ રીતે મને વળગીને સૂઈ પણ ગઈ. ત્યાર બાદ મને પણ રડવું તો બહુ જ આવ્યું, નાનકડી સના પાસે ઘણાં આવા બીજા સવાલો હશે, એ બધાનાં હું શું જવાબ આપીશ, એવું વિચારીને વધારે રડવું આવતું. રડવાનો જોકે કોઈ મતલબ નહોતો!

એ સૂઈ ગઈ પછી મેં ઘરામાંથી મળેલા પૈસા ગણી જોયા. આટલા પૈસા હોવા છતાંય મને નહોતું લાગતું કે એમાંથી અમારા બંનેની લંડન જવાની ટિકિટ નીકળી જાય. વધુમાં મારે થોડા કપડા અને થોડી ખાવાની ચીજો પણ લેવા પડે એમ હતી, લંડન જતાની સાથે જ મને કામ મળી જ જાય એમ નહોતું થવાનું, તો એ સમયમાં કાંઈ તો ખાવા જોઈએ ને! તો હવે બાકીનાં ઘટતાં પૈસા લાવવા ક્યાંથી? એ સમયે મારી નજર મારી કૌટુંબિક રુદ્રાક્ષની માળા પર પડી, જે સોને મઢેલી હતી. જો હું એને વેચી નાખું તો સારા એવા પૈસા આવી જાય એમ હતું. મારા બાપુજીની એ છેલ્લી નિશાની હતી.

છેલ્લે મેં એમ જ કર્યું. ને અમે બંને એક દિવસ લંડન જતી આગબોટમાં બેસી નીકળ્યા. એ દિવસે મેં ઈબ્રાહીમની ખૂબ રાહ જોઈ હતી, પણ એ ના આવ્યો તે ના જ આવ્યો. એટલે અમે એને મુકીને જ નીકળી ગયા હતાં. થોડા સમય બાદ આગબોટ પરથી દૂર પશ્ચિમ ક્ષિતિજ પર બૉમ્બેનો ટાપુ દેખાતો હતો. એ મારો ભૂતકાળ હતો. જેને હું ક્યારેય પાછો યાદ કરવા નહોતો માંગતો. મારે હવે લંડનમાં એક સુંદર ભવિષ્ય બનાવવું હતું.

ભૂતકાળ વાગોળતા વાગોળતા નવસારી સ્ટેશન ક્યારે આવી ગયું અેની ખબર જ ના પડી. ખરેખર રાત પડી ગઈ હતી. મારે હવે ખાનગી વાહન કરીને જ દાંડી પહોંચવું પડશે એવું લાગતું હતું. રાતે જ પહોંચી ગયેલા સારા, કેમ કે બીજા દિવસે તો સવાર સવારમાં જ મારો સન્માન કાર્યક્રમ હતો. મેં નવસારીથી એક દાંડી જવા માટે એક ટેક્સી ભાડે કરી લીધી.

જોકે હજું પણ ભૂતકાળની એ યાદો મારો પીછો છોડવા નહોતી માંગતી. અમે બંને જણાં લંડનમાં આવી તો ગયા, પણ અહીં પણ અમારી રોજિંદી સમસ્યાઓ તો હતી જ. રહેવું ક્યાં એ મોટો પ્રશ્ન હતો. રોજ સવાર પડે એટલે રાતે ખાઈશું શું એની અને રાત પડે એટલે બીજે દિવસે સવારે શું ખાઈશું એની સમસ્યા. મારે તો અહીં પણ મજૂરી જ કરવી એ તો નક્કી જ હતું. સૌથી મોટો પ્રૉબ્લેમ ભાષાનો હતો, મને અંગ્રેજી આવડતી હતી, પણ એ ય ભાંગી-તૂટી. સનાને તો એટલી પણ નહોતી આવડતી. શરૂઆતનાં એક બે દિવસ તો ખાવાનાં પણ સાંસાં પડી ગયેલાં. મેં બૉમ્બેથી થોડી ખાવાની ચીજો ખરીદી હતી, પણ તેનાથી પેટ ભરાય એમ નહોતું. રોજ રાત પડે ને અમારે ભૂખ્યા પેટે સુવા પડતુ. ને સુવાનું પણ ક્યાં!? મોડી રાત સુધી રખડવાનું અને પછી કોઈક ઘરનાં ઓટલા પર, નહિં તો રસ્તાને કિનારે જ સૂઈ જવું પડતું. ને ત્યાં ઠંડી પણ બહુ જ હતી. અમે બંને જણા એકબીજાને વળગીને ટૂંટિયું વળીને સૂતા તો ય અમારા દાંત તો કકડતા જ રહેતા. સના રોજ મને પુછતી, કે ભાઈ આપણે આવી તો ગયા, પણ હવે જીવીશું કેમ? એનાં આ સવાલનાં જવાબ પર મારે હંમેશા એને સધિયારો આપવો પડતો, ને પછી મને રડવું આવી જતું. એક સમય એવો હતો કે જ્યારે સનાને મારા મોંએથી વાર્તા સાંભળ્યા સિવાય ઉંઘ પણ નહોતી આવતી, અને આજે!? એ દિવસો જેમ જેમ યાદ આવતા તેમ તેમ વધારે રડવું આવતું મને. હજુ મહિના પહેલા જ અમે કેટલા સુખી હતા, ઍટ લીસ્ટ સવાર-સાંજ જમવાનું તો મળતું. હવે તો જે થોડુ ઘણું હતું અમારી પાસે તે જ ખાઈને પેટ ભરવું પડતું.

રોજ સવાર પડે એટલે હું નોકરી ખોજમાં જતો, જવું જ પડતું. નહિતર પૈસા નહિં મળે તો ખાતે શું અમે? મારી તુટી-ફુટી અંગ્રેજીનાં જોરે મેં એક મિલમાં નોકરી તો મેળવી લીધી, પણ સનાનું શું? હું કામ પર જાઉં તે દરમિયાન એને ક્યાં મુકવી? મેં મારા કામની નજીક જ એક ચર્ચ શોધી કાઢ્યું. એનો પાદરી ભલો હતો, ઉપરથી એ થોડા વખત હિન્દુસ્તાનમાં રહ્યો હતો એટલે એને હિન્દુસ્તાની આવડતી હતી. મેં એને ખૂબ જ વિનંતી કરી કે સનાને કોઈપણ રીતે સાંજ સુધી ચર્ચમાં રાખી દો. એણે સનાને ચર્ચમાં કામવાળી બાઈ તરીકે રાખી લીધી, ને એને ચર્ચમાં જ રહેવાની સગવડ પણ કરી આપી. હું તો રાત પડે સનાને મળી ને, પછી પાછો બહાર ચાલી નીકળતો. ને મોટેભાગે અમારી મિલનાં વૉચમેનની કૅબિનમાં જ સૂઈ રહેતો. અમારા દિવસ એકંદરે સારા જતા હતાં. ત્યાર પછી અમારા દિવસો થોડા સુધરવા માંડ્યા હતા. મારા હાથમાં સાંજ પડે એટલે પાઉન્ડ આવવાનાં શરૂ થઈ ગયા હતા. ને મારે કોઈ બીજુ કોઈ કામ પણ હતું નહિં, એટલે સનાને મળ્યા બાદ હું ફરીથી કામ પર જ જોડાઈ જતો. એનાં મને થોડા વધારે પાઉન્ડ મળી જતા. સનાને પણ પાદરી સારો એવો પગાર આપતો.

અમે બંનેએ કામ કરવાનું શરૂ કર્યા એનાં થોડા મહિના પછી તો અમારા હાથમાં સારા એવા પાઉન્ડ આવી ગયા હતાં. મારે હજુ વધારે પાઉન્ડ બચાવવા હતાં, ને અમારે રહેવા માટે સારુ ઘર લેવું હતું. આનાથી વધુ સારી જીંદગી જીવવી હતી. મારે સનાને ભણાવવી હતી. એ ભણીગણીને એક સફળ વ્યક્તિ બને એવું જ હું ઈચ્છતો હતો. એ માટે આનાથી પણ વધારે પાઉન્ડની જરૂર હતી. ને મારી પાસે જેટલા પાઉન્ડ બચ્યા હતાં, એટલામાં હું સનાની એક મહિનાની ફી પણ ભરી નહોતો શકતો. ઉપરાંત મારે અમારા બંનેનાં માટે રહેવા માટે એક સારી જગ્યા પણ શોધવાની હતી, જેના માટે પણ પાઉન્ડ જરૂરી હતાં.

ચર્ચનાં પાદરીને મારી આ મુંઝવણની ખબર પડી. તે મારી મદદે આવ્યો, “બેટા, ચર્ચનું ટ્રસ્ટ એક શાળા પણ ચલાવે છે, ત્યાં તું ઈચ્છે તો સનાને ભણવા મુકી શકે છે, પણ એક શર્ત છે”, મારે જોકે કોઈપણ હાલતમાં સનાને ભણાવવી હતી, “તારે ઈસ્લામ છોડીને ખ્રિસ્તી બનવું પડશે.” ત્યારે મને બહુ જ ગુસ્સો આવી ગયેલો. જીંદગી શું મજાક છે?! તમારે ગામમાં રહેવું છે, તો મ્લે*-અસ્પૃશ્યોને અડકવું નહિં... તમારે ખુદાની બંદગી કરવી છે, ને સમાજમાં સરખી રીતે રહેવું છે, તો ઈસ્લામ લો... તમારે ભણવું છે, તો ખ્રિસ્તી બની જાઓ. પાદરી તો મને લાલચ પણ આપી રહ્યો હતો, “તમને પણ હું તમારી મજૂરી કરતા પણ સારી નોકરી અપાવી શકું છું. ને સના પણ ભણતાની સાથે નોકરી પણ કરી શકે છે. ઉપરથી તમને હું લંડનનાં સારા વિસ્તારમાં ઓછી કિંમતે ઘર પણ અપાવી શકું છું.” જોકે મારી પાસે બીજો રસ્તો પણ કયો હતો? સિવાય કે હું આમ જ આખી જીંદગી મિલમાં નોકરી કરતો રહું, અને સના પણ આવી જ રીતે આખી જીંદગી ચર્ચમાં કામ કરતી રહે. મેં સનાને આ અંગે પુછી જોયું, તો તેનો એક જ જવાબ હતો, ‘ભાઈ, તમને જેમ ઠીક લાગે એમ...’

ને અમે છેવટે એક દિવસ 'ઈસ્માઈલ'માંથી 'આઈઝેક' અને 'સના'માંથી 'સારા' બની ગયા.

પાદરીએ જોકે એનું બોલેલું પાળી બતાવ્યું. સારા ભણવાની સાથે નોકરીએ પણ જવા લાગી હતી. મને પણ તેમણે મિલની મજૂરી છોડાવીને બીજી એક સારી જગ્યાએ નોકરીમાં રખાવી દીધો હતો. વધારામાં લંડનમાં એક સારી જગ્યાએ અમને સસ્તા ભાડે એક રૂમ પણ અપાવ્યો હતો. હવે અમારા હાથમાં પૈસો દેખાતો હતો, મેં સારાનાં આગળનાં ભણતર માટે પાઉન્ડ બચાવવા માંડ્યા હતા. સારા જોકે ભણવામાં હોશિયાર નીકળી. દર વર્ષે એને ભણવા માટે સ્કોલરશીપ મળી જતી. પરિણામસ્વરૂપ અમારા બંનેની ઘણી કમાણી બચતમાં જ જતી રહેતી.

એ વાતને ય દસ-બાર વર્ષ નીકળી ગયા હશે. સારાની સ્કુલ હવે પતી ગઈ હતી. એણે આગળ ભણવુ તો હતું, પણ પાછો એ જ પ્રશ્ન આવીને ઉભો હતો. અહીં ઈંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ ખૂબ જ મોંઘો હતો. સારાએ તો મને ના પણ પાડી દીધી, પણ મારે એને આગળ ભણાવવી જ હતી. આટલા વર્ષોમાં મેં જોઈ લીધુ હતું કે જે સારુ ભણ્યો હોય, એને આગળ જતાં પાઉન્ડ પણ સારા જ મળતા હોય. મેં થોડી લૉન લીધી, અને સારાને બાકીની સ્કોલરશીપ મળી ગઈ હતી. જોકે એણે ભણવા માટે લંડન છોડીને માંચેસ્ટર જવા પડ્યું હતું. જ્યારે એ પહેલી વાર માંચેસ્ટર માટે જવા નીકળી હતી તે દિવસ હજુંય મને યાદ છે. આજ સુધી અમે બંને હરેક પરિસ્થિતિમાં સાથે જ રહ્યા હતાં, ને આટલા વર્ષો પછી અચાનક આમ છુટા પડી જવાનું થાય એ અમને બંનેને કપરું લાગતું હતું. હું અંદરથી તો રડું રડું જ થતો હતો, પણ મારે ઉપરથી સ્વસ્થ હોવાનો દેખાવ કરવો પડતો. કેમ કે મને ખાતરી હતી કે જો હું રડવાનું શરૂ કરીશ તો સારા પણ રડવા માંડશે ને એની હિંમત પડી ભાંગશે. જોકે મને ખબર હતી કે સારા પણ અંદરથી મારા જેવું જ વિચારતી હશે. મેં એને લંડનથી ટ્રેઈનમાં બેસાડી તો દીધી, પણ પછી ઘરે આવીને મને જાત-જાતનાં વિચારો આવવાનાં શરૂ થયા, "...ત્યાં રહેવાનું તો સારું હશે ને, ત્યાં સારાને ફાવશે ખરું ને, એ આજ સુધી કોઈ દિવસ એકલી રહી નથી, વગેરે વગેરે...” હું પણ એટલે બીજી જ ટ્રેઈન પકડીને સારાને મળવા અને એવી કૉલેજની વ્યવસ્થા જોવા માટે માંચેસ્ટર પહોંચી ગયેલો. સારા ત્યાં મને જોઈને ખૂબ જ ખુશ થયેલી, એના મુખ પરની એ ખુશી મને હજુ સુધી યાદ છે. પછી તો હું દર અઠવાડિયે લંડનથી છેક માંચેસ્ટર સુધી એને મળવા જતો, ને જો હું કોઈક કારણોસર પહોંચી ન શકું તો સારા મને મળવા લંડન આવી જતી.

સારા બિઝનેઝનું જ ભણતી હતી, એટલે એ જ્યારે ભણી રહી ત્યારે અમે બિઝનેઝ શરૂ કર્યો. શરૂઆત અમે ઈમ્પૉર્ટ-એક્સપૉર્ટનાં ધંધાથી કરી હતી. પછી સારએ જોયું કે એ દિવસોમાં જાત-જાતનાં કૅમિકલ્સની માંગ ખૂબ વધી રહી છે. એટલે અમે અમારા મોટા ભાગનાં બધા પાઉન્ડ એક કૅમિકલની કંપનીમાં લગાડી દીધા. સારાની વાત સાચી નીકળી, બહુ થોડા વર્ષોમાં અમે ઢગલાબંધ પાઉન્ડ કમાઈ લીધા. એ પાઉન્ડને અમે બીજા પણ ઘણા બિઝનેઝમાં રોક્યા. સારાનાં હાથમાં કદાચ જાદુ હતો, એ જ્યાં પણ પાઉન્ડ રોકતી, ત્યાં અમને ફાયદો થતો જ! પાંચ-સાત વર્ષમાં તો અમે બે કૅમિકલ ફેક્ટરીનાં માલિક બની ગયા હતાં. એમાંથી અમને જે નફો મળતો તે અમે બીજી કોઈ સારી જગ્યાએ રોકતા.

મેં સારાને એ જ અરસામાં કોઈ સારો મુરતિયો શોધીને લગ્ન કરી લેવા કહ્યું. પણ એ હંમેશા લગ્ન અંગે ના જ પાડતી રહેતી, તો કોઈક વાર એ એવું બહાનું કાઢતી કે જ્યાં સુધી હું લગ્ન ના કરું ત્યાં સુધી એ પણ નહિં કરે. મારે લગ્ન કરવાની કોઈ જ ઇચ્છા નહોતી, ને હવે લગ્ન કરવાની ઉંમર પણ નીકળી ગઈ હતી. યુવાનીનાં બધા વર્ષો સંઘર્ષમાં જ નીકળી ગયા હતા, ને બાકીનાં વર્ષો હવે મારે શાંતિથી વીતાવવા હતાં.

બીજા પાંચ-સાત વર્ષમાં તો અમારા હાથ નીચે બીજી ચાર કંપનીઓ આવી ગઈ. ને લંડનનાં લગભગ બધા જ બિઝનેઝનાં ક્ષેત્રોમાં અમારું રોકાણ હતું. ને પછી જતે દિવસે અમે અમારા નેજા હેઠળની આવી જ બધી કંપનીઓમાંથી 'આઈએસએ ગ્રુપ ઑફ કંપનીસ’ની રચના કરી. આ એ જ સમય હતો જ્યારે લંડન આવ્યાનાં આટલા વર્ષો બાદ સારા પહેલી વાર રાસાયણિક ખાતર બનાવવાનો ઑર્ડર લેવા ભારત આવેલી ને તેને ભારતની માયા લાગેલી, ને મને પણ લગાડેલી. આટલા વર્ષોમાં ત્યારે એણે મને પહેલી વાર અબ્બુ, અમ્મી ને ઈબ્રાહિમ વિશે પુછ્યુ હશે!

ત્યારે જ મેં એને જણાવેલું કે તે રાતે ખરેખર શું બન્યુ હતું. ને ત્યારે જ એ જાણવા પામી કે અબ્બુની હત્યા થઈ હતી, ને અમ્મીનો કોઈ અતોપતો નહોતો. આટલા વર્ષોમાં મેં બે-ત્રણ વાર અમારા મુંબઈનાં ક્લાયન્ટ્સ પાસે અમ્મી અને ઈબ્રાહિમની તપાસ કરાવી હતી, પણ પરિણામ હંમેશા જ શૂન્ય મળ્યું હતું. એટલે જ કદાચ સારાને ઈન્ડિયા આવીને જાતે તપાસ કરવી હતી. અમે તપાસ કરી પણ અમને કાંઈ પરિણામ મળ્યુ નહોતું.

જોકે પરિણામ છેક જ શૂન્ય મળ્યું એમ તો કેમ કહી શકાય! અમારી એ દાંડીયાત્રાઓને કારણે જ હું ગાંધીજીને સારી રીતે સમજવા પામ્યો છું. ને એને જ કારણે હું ભારતનાં ગામડાનાં લોકોની સેવા કરી શક્યો છું. બારી અમારા આટલા બધા પાઉન્ડ ન જાણે ક્યાં વપરાઈ જાત!

હું હજી વિચારોમાં જ ખોવાયેલો હતો ત્યાં દાંડી પણ આવી ગયું. બીજે દિવસે સવારે મારું સન્માન થવાનું હતું. કાશ આજે સારા પણ મારી સાથે હોત, તો એ ખૂબ ખુશ થાત. સારા દસ વર્ષ પહેલા જ મૃત્યુ પામી હતી, ને હું પણ હવે કિનારે જ છું. પણ એક ઇચ્છા ખરી કે મારી સાથે જે બન્યું એ બીજા કોઈ જોડે ના બનવું જોઈએ. એટલે જ સ્તો મેં ભારતનાં ગામડાઓમાં ગાંધીજીનાં વિચારોનો પ્રસાર કરવા મારી જીંદગીનાં પાછલા વર્ષો ખર્ચી નાખ્યા ને! બીજા બધાઓને માટે એ બધા ફક્ત વિચાર માત્ર હશે, પણ મારા માટે તો એ અમૂલ્ય હતાં. કેમ કે જો આજથી સોએક વર્ષ પહેલા જો લોકો ગાંધીનાં માર્ગે ચાલ્યા હોત, તો મારી જીંદગીનાં શરૂઆતનાં વર્ષો આટલા ખરાબ ના વીત્યા હોત. ખેર જે થવાનું હતું એ થઈ ગયું, એના પર ઝાઝા નિસાસા નાખવાની જરૂર નથી.

છેવટે આજે સવારે મારું સન્માન થયું.

હવે સૂરજ ડૂબવાને આરે આવી ગયો છે. આકાશમાં લાલિમા પથરાઈ રહી છે. હવે જોકે મારે રૂમ પર જવું જોઈએ. કાલે પાછા મુંબઈ જવાનું ખરું ને, લંડનની ફ્લાઈટ માટે...

નોંધ - લેખકને કોઈપણ ધર્મ સામે કોઈપણ પ્રકારનો વાંધો છે નહિં. વાર્તાનો આશય ફક્ત અને ફક્ત ધર્મનાં નામે ચાલતા ખોટા તેમજ રૂઢિચુસ્ત રીતિ-રિવાજો સામે આંગળી ચીંધવાનો છે. વાર્તાનાં તમામ પાત્રો અને ઘટના સંપૂર્ણપણે કાલ્પનિક છે. વાર્તામાં અમુક ચોક્કસ ધર્મ અથવા જાતિ અંગે જે અનિચ્છનિય શબ્દોનો અછડતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ફક્ત વાર્તાનાં સમયકાળનાં લોકોની માનસિકતા દર્શાવવા માટે કર્યો છે. તેમ છતાં એને કારણે કોઈની પણ લાગણી દુભાઈ હોય તો લેખક અગાઉથી જ તેની દિલથી માફી માંગે છે.