આ ભજન બાપુનું પ્રિય ભજન હતું, નહિં? ખરેખર, બાપુએ પોતાનું જીવન એક ખરા વૈષ્ણવ જનની જેમ જીવી બતાવ્યું હતું, જેણે પીડ પરાઈ જાણી રે, પર દુઃખે જેણે ઉપકાર કર્યા, પણ આણ્યું અભિમાન નહિં મનમાં રે... આજે એવા આપણાં પ્રિય બાપુ, મહાત્મા – ઉર્ફે મોહનદાસ કરમચંદ ગાંધીની સિત્તેરમી પુણ્યતિથિ છે.
આજના જ દિવસે આજથી 70 વર્ષ પહેલા નથુરામ ગોડસે એ બાપુનું ખુન કર્યું હતું. ખરેખર એ બહુ મોટી ભૂલ હતી.
વીસમી સદીનાં આરંભ પહેલા માનવજાતનો ઇતિહાસ વેર, હિંસા, બદલો જેવી નકારાત્મક લાગણીઓથી ભરેલો હતો. બાપુએ તેનાં બદલે સત્ય, અહિંસા, પ્રેમ જેવા શસ્ત્રો દ્વારા માનવીને અન્યાય સામે લડવાની નવી જ રીત બતાવી હતી. બાપુનો ઉદ્દેશ હતો કે અન્યાય કરનારા માણસને નહિં મારવો, પણ તેની અંદરનાં અન્યાયને મારવો. આપણે જો એ માણસને મારીશું, તો એ આપણાં પર બદલો લેવા ઈચ્છશે. અને એ આપણા પર બદલો લેશે, તો આપણે પણ બેસી થોડા રહીશું? અને આ ચક્ર ચાલ્યા જ કરશે... અને એમાં તો જગત વેરભાવના, હિંસા જેવી નકારાત્મક લાગણીઓથી જ ભરાઈ જશે.
સત્ય અને અહિંસા તો ગાંધીજીએ બતાવેલા એકાદશ વ્રતોમાંનાં પહેલા બે વ્રતો માત્ર હતા. તેનાં સિવાય એકાદશ વ્રતોમાં અસ્તેય – અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અભય, અસ્વાદ, સર્વધર્મસમભાવ, અસ્પૃશ્યતા નિવારણ, સ્વદેશી તેમજ શરીરશ્રમનો સમાવેશ થાય છે. ગાંધીજીએ જગતને આપેલી ત્રણ મહત્વની દેણમાં આ એકાદશ વ્રતોનો પણ સમાવેશ થાય છે. મૂળ તો આ વ્રતો એટલે આશ્રમવાસીઓએ પાળવાનાં નિયમો માત્ર હતાં. પણ મારું અંગતપણે એવું માનવું છે કે જો દરેક માનવી આ અગિયાર નિયમોને પોતાનાં જીવનમાં અમલમાં મુકે તો જગતમાંથી ઘણી બધી નકારાત્મક વાતો એમ જ ઓછી થઈ જાય.આ અગિયાર વ્રતો વિશે ભવિષ્યમાં ક્યારેક વ્યવસ્થિત ચર્ચા કરવાનો વિચાર છે.
ગાંધીજીએ જગતને આપેલી ચીજોમાં ત્રણ મુખ્ય છે, સત્યાગ્રહ, રચનાત્મક કાર્યક્રમો અને એકાદશ વ્રતો. એ ત્રણેયમાંથી એકનું પણ મુલ્ય ઓછુ આંકી શકાય એમ નથી. ગાંધીજીનાં અંગત મંત્રી મહાદેવભાઈ દેસાઈનાં પુત્ર, નારાયણભાઈ દેસાઈ લખે છે,
“...ગાંધીજીનાં સમગ્ર વ્યક્તિત્વને જો આપણે એક આમ્રવૃક્ષની ઉપમા આપીએ તો આ એકાદશવ્રત એમની આધ્યાત્મિકતાનાં પ્રતીક સમા મૂળિયાં હતાં, એમણે સુચવેલો રચનાત્મક કાર્યક્રમ એટલે કે તેમનાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક વિચારો એ વૃક્ષનાં થડ ને ડાળી સમા હતા, તો એમનો સત્યાગ્રહ એ વૃક્ષનાં ફળ સમાન હતો...”
ગાંધીજીએ જગતને આપેલી બીજી મહત્વની દેણ એટલે તેમનાં રચનાત્મક કાર્યક્રમો. ગાંધીજી ભારતદેશને ફક્ત રાજકીય આઝાદી જ આપવા માંગતા નહોતા. તેમણે ભારતને સંપૂર્ણ આઝાદી આપવી હતી, ભારતનો સર્વાંગી વિકાસ કરવો હતો. એટલે તેમણે રચનાત્મક કાર્યક્રમો શરૂ કરેલા કે જેમાં, નઈ તાલીમ (પ્રૌઢ શિક્ષણ સાથે), રાષ્ટ્રભાષા પ્રચાર, માતૃભાષા પ્રેમ, ખાદી, આર્થિક સમાનતા, ગ્રામોદ્યોગ, નિર્વ્યસનતા, ગ્રામ આરોગ્ય, ગ્રામ સફાઈ, હરિજનસેવા, સ્ત્રી ઉન્નતિ, કોમી એકતા વગેરેનો સમાવેશ થતો હતો. જોઈ શકો છો કે ગાંધીજીએ ગામોનાં વિકાસ પર વધુ ધ્યાન આપ્યું હતું. તેમનું માનવું જ હતું કે સાચો ભારતદેશ એનાં ગામડાઓમાં વસે છે, જો ગામડાઓનો ઉદ્ધાર થશે તો જ દેશની ખરી ઉન્નતિ થશે. ગાંધીજીએ ગ્રામોદ્યોગ પર વધારે ધ્યાન આપ્યું હતું કે જેથી ગામડાનાં વ્યક્તિને ગામમાં જ રોજગાર મળી રહે અને તેણે શહેર તરફ ભાગવું ન પડે. જેથી ગામડાને તુટતા બચાવી શકાય અને ગામડાનો યોગ્ય વિકાસ થઈ રહે. પણ આઝાદી પછી આપણી સરકારોએ ગામડાનાં વિકાસ પર પુરતું ધ્યાન ન આપ્યું અને પરિણામ આપણે જોઈ શકીએ છીએ. ગામડાનાં લોકોએ રોજગારી મેળવવા શહેર જવું પડ્યું, શહેરની વસ્તી તેથી વધતી ચાલી, અને શહેરનાં લોકોનાં જીવનધોરણ પર તેની અસર પડી. વસ્તી વધારાની સાથે સાથે બીજી હજારો સમસ્યાઓ દોડતી જ આવે! આવો જ હાલ બીજા પણ એક કિસ્સામાં થયો હતો. ગાંધીજીનું એવું માનવું હતું કે જે કામ માણસો પાસેથી સહેલાઈથી કરાવી શકાય તેવા કામો યંત્રોને ના સોંપવા જોઈએ. આ વાત એ સમયે ઘણાં લોકોને, ખાસ કરીને લેનિનવાદીઓને, અવ્યવહારુ લાગી હતી. તેમને લાગેલું કે આપણે એમ કરવા જઈશું તો જમાનાથી ઘણાં પાછળ રહી જઈશું. તેમની વાત પણ ખોટી નહોતી, પણ તેનો અમલ ધીરે ધીરે થવો જોઈએ. કે જેથી ઘણાં બધા લોકોને એક સામટા બેરોજગારીનો સામનો ન કરવો પડે.
ગ્રામોદ્યોગનો જેવા હાલ થયા, એવા જ હાલ મોટે ભાગેનાં બીજા રચનાત્મક કાર્યક્રમોનાં પણ થયા. જેમ કે નિર્વ્યસનતા, ગ્રામ આરોગ્ય, શિક્ષણ વગેરે. કૉંગ્રેસે જેટલું ધ્યાન સત્યાગ્રહ ઉપર આપ્યું એવું ધ્યાન રચનાત્મક કાર્યક્રમો ઉપર કે એકાદશ વ્રતો પર ન આપ્યું. આઝાદી બાદ કૉંગ્રેસ પાસે કાર્યકર્તાઓની દેશવ્યાપી ફોજ હતી. તો એ સમયે એ કાર્યકર્તાઓનો ઉપયોગ કરીને તેઓ ગાંધીજીનાં રચનાત્મક કાર્યક્રમોને સફળતાપૂર્વક પાસ પાડી શક્યા હોત. પણ કાશ જો કૉંગ્રેસે રચનાત્મક કાર્યક્રમોને પણ સત્યાગ્રહ જેટલું જ મહત્વ આપ્યું હોત તો આઝાદી પછી આપણને કોઈ અલગ જ ભારત જોવા મડત.
ગાંધીજીએ જગતને આપેલી ત્રીજી મહત્વની દેણ એટલે સત્યાગ્રહ. આ શબ્દનો ફક્ત શાબ્દિક અર્થ જોવા જાઓ તો એ થાય, સત્ય માટેનો આગ્રહ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં અન્યાય સામે લડવાની એક નવી જ પદ્ધતિ શોધી કાઢી હતી, અને તેને શું નામ આપવું એ અંગે વિચાર કરતા હતાં. એવામાં એમનાં ભત્રીજા (?) મગનલાલ ગાંધીએ સદાગ્રહ શબ્દ સુચવ્યો. પણ ગાંધીજીને સદ્ – આગ્રહ કરતા સત્ય – માટેનો – આગ્રહ વધારે રુચ્યો. પણ સમયની સાથે સાથે લોકોએ એ શબ્દનાં મૂળ અર્થને તો ક્યાંય બદલી નાખ્યો છે. આજે સત્યાગ્રહ શબ્દને લોકો હડતાલ તરીકે જ જુએ છે. એ જ રીતે ઉપવાસ શબ્દને પણ લોકોએ ભૂખ-હડતાલનો પર્યાય જ બનાવી દીધો છે. બન્નેમાં બહુ જ ફરક છે. સત્યાગ્રહમાં સત્ય માટેનો આગ્રહ હોય. અને સત્યાગ્રહી વ્યક્તિએ સામી વ્યક્તિને નહિં, પણ તેની અંદર રહેલા અસત્યપણાંને પડકારવાનું હોય. એમ કરતા સામી વ્યક્તિ પર દ્વેષ ના થવો જોઈએ. દ્વેષ પણ એક પ્રકારની હિંસા જ છે. અને સત્યાગ્રહમાં હિંસાનો પડછાયો પણ ના ચાલે. ઘણાંને આ વાતો એક આદર્શ સમાન લાગતી હશે, પણ ગાંધીજી તો આ જ નિયમો પર ચાલ્યા હતા. કદાચ એટલે જ તેઓ મહાત્મા હતા, ઈન ફૅક્ટ છે!
પણ આપણે બદલામાં ગાંધીજીને શું આપ્યું. આજથી સિત્તેર વર્ષ પહેલા ત્રણ છાતીસરસી બુલેટો? ઢગલાબંધ ગાળો, કે ભારતનાં ભાગલા માટે તેઓ જ જવાબદાર છે, ને તેઓ મુસ્લિમતરફી હતાં, ને ન જાણે કંઈ કંઈ!! કદાચ એથી વધારે આપવાની આપણી ઔકાત પણ નથી!! આપણને રાજકીય સ્વતંત્રતા ભલે મળી ગઈ, પણ માનસિક સ્વતંત્રતા મેળવવામાં હજુ ઘણો સમય લાગવાનો છે. વર્ષમાં ફક્ત બે વાર જ આપણે એમને યાદ કરીએ છીએ, એક તો આજનાં દિવસે અને બીજી ઑક્ટોબરે. ને દૈનિક આચરણમાં તો આપણે તેમને ચલણી નોટો પુરતા જ સીમિત રાખ્યા છે.
વધારે વિચાર કરતા સમજાય છે કે ત્યારનાં સમય કરતા આજે ગાંધીબાપુની સમાજને વધારે જરૂર છે. આપણા સમાજની જ વાત લો ને, ઝીણી ઝીણી વાતોમાં ઉશ્કેરાય જાય છે. ગ્રામ સુધારની વાતો તો ક્યાંય દુર છે. ધર્મનાં નામે નેતાઓ હજુંય આપણને અંદરો અંદર લડાવી જાય છે. સ્ત્રી સશક્તિકરણની વાતોનાં મોટા મોટા બણગા ફૂંકાય છે પણ સૌકોઈ જાણે છે કે સ્ત્રી કેટલી સ્વતંત્ર છે તે! વિયેતનામની લડાઈ ચાલતી હતી એ દરમિયાન એક અમેરિકન શિક્ષકે તેમનાં વિદ્યાર્થીઓને ગાંધીજી પર લખવા કહ્યું. ત્યારે એક વિદ્યાર્થીનીએ લખેલું કે બાપુ, ત્યારનાં સમય કરતા આજે તમારી વધારે જરૂર છે...
ઓશોએ સાચું જ કહ્યું છે, મૂર્ખ માણસો સમય પછી જ જન્મતા હોય છે, આપણાં જેવા સામન્ય માણસો સમય પર જ જન્મ લે, જ્યારે ગાંધી કે કૃષ્ણ જેવી વિભુતિઓ સમયથી પહેલા જ જન્મ લેતી હોય છે...